આવો વધાવીએ ‘વેણુનાદ’ને.. -શ્રી ઈશ્વર પરમાર
કહેવાય છે કે વિશ્વવિજેતા થવા ઈચ્છતા સિકંદરે થિબ્ઝનગર લૂંટીને વિજયની મહેફિલો મનાવતા સૈનિકોને આદેશ કર્યો; ‘થિબ્ઝને ભલે ભશ્મસાત કરી નાખો પણ તેમાંના કોઇ કવિના ઘરને આગ ન લગાડશો કેમકે જે તે સંસ્કૃતિના પ્રાણ સમાન કવિના ઘરનો નાશ ન જ કરાય.
કવિ એટલે શબ્દ જગતના સિકંદર! એ પોતાના શબ્દ રુપી શાંતિ-સૈનિકોની મદદથીવહાલા થઇને વિજેતા થતા હોય છે. આનું કારણ એટલુંજ કે શબ્દો અવિનાશી છે,વાતાવરણમાં ઓગળી જતા બોલ અંતરિક્ષમાં સચવાઇ રહેછે એવી વૈજ્ઞાનિક ઉત્કલ્પના (હાયપોથેસિસ) પણ છે.કવિના બોલ અંતરિક્ષમાં સચવાઇ રહેવા ઉપરાંત ભાવકના અંતરમાં પણ સચવાઇ રહેતા હોય છે એ સાબિત કરવા માટે કોઇ ઉત્કલ્પના કે સંશોધન કરવું પડે તેમ નથી. કવિના શબ્દો ભાવકના અંતરને ઝંકૃત કરે છે.
આપણા અંતરને ઝંકૃત કરવા માટે ડો. પી. એ. મેવાડાના શબ્દ-સૈનિકો રાઇફલ નહીં, વેણુ લઇને આ પુસ્તિકામાં પોઝીશન લઇને ગોથવાઇ ગયા છે. તેમને સલામ કરતાં અને તેમના ‘વેણુનાદ’ને વંદન કરતાં આનંદ થાય છે. ‘વેણુનાદ’ આપણને વેણુપાણિ શ્રી કૃષ્ણનું મધુર સ્મરણ કરાવે છે. શ્રી કૃષ્ણ ચક્રપાણિ તેમજ નેણુપાણિ છે. આ જ રાહે ડો. મેવાડા વ્યવસાયે દાકતર છે તેમજ શોખવશ ભક્ત-કવિ છે.
કવિ તરેકે તેઓ એટલા નમ્ર છે કે તેમણે પોતાની રચનાઓ સાથે પોતાનું કર્તુત્વ જોડવા માટે નામ નહીં,’સાજ’ ઉપનામ પસંદ કર્યું છે. ‘સાજ’ એટલે સાધન, શણગાર કે વાજિંત્ર. વાજિંત્ર જાતે નથી વાગતું પણ કોઇ કલાકાર તેને વગાડે છે, કવિ જાતે કવિતા નથી રચતા પણ કોઇ ‘પરમ’ કલાકાર તેમને સર્જન કરવા પ્રેરે છે. કવિ ‘સાજ’ના સંદર્ભે એ ‘પરમ’ કલાકારને પરમાત્મા તરીકે ઓળખવામાં કોઇ ચૂક થતી નથી.
કવિ ‘સાજ’ ગાવા કે લખવા માટે પૂર્ણતઃ ઘનશ્યામ પર અવલંબિત છે. તેઓ ગાય છે;
‘સાજ’ને છોડીને સાજિંદા બેઠા છે,
હવે છેડોને રાગ કલ્યાણ, વેણુ વગાડો ઘનશ્યામ.’
આ કવિનું પ્રભું અવલંબન સિદ્ધ કરતો વધુ એક પુરાવો આ રહ્યોઃ
‘સાજ’ને ભરોંસો દ્વારિકાના નાથનો, સઘળું જીવન તેને ચરણે ધર્યું..
‘ પ્રભુને સાદ કરતા ‘સાજ’ની તલપની તીવ્રતા સાથે ભાવકો અનાયાશે એકતાર થઇ જાય એવું એવું થયું છે અને થશે;
’तेरा ‘साज’ बुला रहा है, आवाज दो कहां हो..’
કવિ ‘સાજ’ પોતાના સાથી-મિત્રોથી નોખા પડીને પરમાત્મા સાથે અંગત હિત સાધવાનીવૃતિ ધરાવતા નથી. તેઓ પ્રભુંને વિનવે છે;
‘સાજ’ના સ્વામીને એટલી વિનંતી ભક્તોના દુઃખ કાપો કાનજી..’
સાથી મિત્રોને કવિ ‘સાજ’ ભાવભીના સૂરે કહ્યા કરે છે;
’સાજ’ ના ભરોંસે સાનમાં સમજો, પછી સુખે સુવાનો વેપાર’,
’સાજ’ના સ્વામીને ભજો નિરંતર, જનમ જનમને ટાળો.’
’નિજાનંદી ‘સાજ’ બતાવે હરિનો મારગ સીધો’
’સાજ’ના સાથીઓ ઝાઝા ઝુહાર તમો જ્ઞાનીને શું કહેવાનું?’
જ્ઞાની થવા માત્રથી જ કંઇ જિંદગી જીતાઇ જતી નથી. ખરું જ્ઞાન સર્વમાં પ્રભુ દર્શન કરવામાં છે. કવિ ‘સાજ’નો આ બાબતે અભિગમ સર્વ ધર્મ સમભાવનો જણાઇ આવે છે. એમની રચનાઓમાં ભગવાન ગણપતિ, વિષ્ણુ, બ્રહ્મા, રામ, હનુમાન, શંકર, સત્યસાંઇ અને ભગવતી સીતા, સરસ્વતી અને જગદંબાને આદરયુક્ત સ્થાન છે. મંદિર ઉપરાંત ગુરુદ્વારા અને ગિરજાઘરને પણ માન છે. મીરાં નરસિંહને સુદામા પ્રત્યે નો એમનો સખાભાવ એટલો છેકે પોતાની રચનાઓમાં પણ તેમનો પ્રભાવ પથરાએલો અનુભવાય છે.
પરમાત્માના અનેકવિધ સ્વરૂપો માતેના પ્રેમાદર છતાં વેણુધર શામળિયા શ્રી કૃષ્ણ માટેની એમની વિશેષ પ્રીતિ ‘વેણુનાદ’ના ભાવકને આંદોલિત કર્યા વિના રહેશે નહીં. કવિ ‘સાજ’ પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણલક્ષી સર્જન કરતી વખતે ગોપીભાવમાં મય થઈ જતા હોય એવું લાગે છે.
‘બાંકે બિહારી હુંતો તારા પર વારી..’
’વેણુ વગાડોને શ્યામ, ગોકુળિયુ દિસે સૂમસામ’
‘વેણુના નાદે ઝુમુ વાટે વ્રજની.., લાગી લાગી રે લગન મને હરિ નામની’
‘વેણુ વગાડી ગોપીઓ સાથે, રાસ રમેછે સારી રાત,
‘હું અભાગણી મેડીએ બેઠી, છાનું રોઉ છું દીનાનાથ બેની હું કેમ કહું કહાન કેરી વાત….’
વેણુધર શ્રી કૃષ્ણના આરાધક કવિ ‘સ્સજ’ના ભજન-ગીતોના આ સંગ્રહ નું નામ ‘વેણુનાદ’ ઘણું સાર્થક છે કેમકે તેમની અનેક રચનાઓમાંથી વેણુ નો મધુર નાદ સંભળાયા કરેછે. એ નાદના કેફમાંજ જાણેકે તેઓ બાળ કનૈયાનું ઉપરાણુ લઇ રહ્યા છે;
’મારા વ્હાલુડા કાનને કાંઈના કહેશો એને કાંઈના કહેશો, એને ચોરના કહેશો…’
બાળ કનૈયા માટેનો ભક્તિભાવ તેમને માતા યશોદાની સમીપ લઈ ગયેલ છે, આથી તેઓ ગાઈ શક્યા છે;
‘દોડી કનૈયો માની ગોદમાં ભરાયે, બડભાગી ‘સાજ’ જુવે ભાવભીની આંખે..’
માની ગોદમાં ભરાતો કાનુડો કંઈ કાયમ થોડોજ ગોકુળમાં રહ્યો છે? એતો પછી થયો છે ‘રાજરાજેશ્વર શ્રી દ્વારકાધીશ!
કવિ ‘સાજ’ પોતાનો કાવ્ય સંગ્રહ ‘વેણુનાદ’ એમને અર્પણ કરેલ છે. એ રાજરાજેશ્વરને ગોકુળની યાદ અપાવવાની સાથે કવિ ‘સાજ’ તેમને સખી ભાવે પડકારે છે;
‘ગોકુળ છોડીને ભૂલ્યો તું કાન મને ઝરૂખે ઝૂકીને નિરખી જો દ્વારિકાના નાથ મને ઓળખી જો..’
એ શ્રી દ્વારકાધીશને કવિ ‘સાજ’ હરખભેર તેડાવે છે;
‘દ્વારકાના નાથ તમે વ્હેલેરા આવજો, તેડા લખે ‘સાજ’ આજ ગીત ગાઈને..’
આ કવિની ગોપી સહજ કેફિયત કાને ધરવા જેવી છે;
‘દ્વારકાના નિવાસી હુંતો તારા પર વારી બાંકેબિહારી હુંતો તારા પર વારી..’
ગોપી ભાવે ગોકુળ બેઠેલ ‘સાજ’ને દ્વારકાની ભૂગોળ બરાબર યાદ છે, તેની સાબિતી આપતી આ પંકતિઓ એકથી વધું વાર વાંચી કે ગાઈને માણવા જેવી અનુંભવાય છે.
’સાજ’ ના સ્વામીને એંધાણી આપું જરા, ગોમતીના ઘાટે જઈ પરખી જો..’
હવે ધ્યાન દેજો,
‘પગચંપી કરે એના નીરની ધારા પછી ધારા માં મારું નામ છલકે જો..’
ખરેજ, અહીં પરાકાષ્ટા છે, દિવ્ય પ્રેમની!
’વેનૂનાદ’ કાવ્ય સંગ્રહમાંની ભક્તિ રચનાઓ ઉપરાંતની આ ત્રણ કૃતિઓ કવિ ‘સાજ’ને ગુજરાતી સાહિત્યના વર્તમાન ભક્ત કવિઓની પંગત માં બેસવાનું માન અપાવે તેવી સબળ છે;
’સાચું સગપણ’, ‘એકલ પંથ’, અને ‘જીવન ખેતર’.
આ ગીતો વારંવાર ગાઈ કે વાંચીને ભાવક અનુભવશે કે તેમાં જ્ઞાન અને ભક્તિની ફિલસૂફી ભારોભાર રસાયેલી છે. આ કૃતિઓ આત્મકલ્યાણની દિશાનું દર્શન કરાવે છે.
’વેણુનાદ’ની વાટિકામાંથિ પસાર થતાં કવિ ‘સાજ’ નું ભાષા પ્રભુત્વ ધ્યાન ખેંચ્યા વગર રહેતું નથી. ભાષાની સરળતા કે સાદગી પણ ભાષાનો સાજ ખરોકે નહીં? માત્રુભાષા ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, વ્રજ-હિંદી અને ઉર્દુ ભાષાની કવીની જાણકારીને લીધે ભાષા વૈવિધ્ય જળવાયું છે. હિંદી-ઉર્દુના બે ઉદાહરણો જોઈએ;
’गाय-बछरिया बनमें छोरी
सास-ननदिया नींदमें सोई
अब छोडोना मोरी कलाई..’
‘हस्तिका तेरी मूझको एहसास हो गया है,
तुम कहां हो मेरे मालिक तुझे ढुंढुं कहां मै..’
ભાષા ઉપરાંત એમનુ સંગીત પ્રાવીણ્ય ખાસ કરીને શાસ્ત્રિય રાગોનો અભ્યાસ તેમની ગેય રચનાઓના પ્રસાર માટે પાંખોનુ કામ આપે એમ જણાય છે. કલ્યાણ,ભુપાલી, સારંગ કાફી વગેરે દશથી વધુ રાગોમાં વહેતી એમની સૂરગંગા ગમેતે જગ્યાએ પવિત્રતાનું પર્યાવરણ જમાવવા માટે પૂરતી વેગવાન છે.
ડો. પી. એ. મેવાડાએ વ્યવસાય અર્થે મીઠાપુર-ઓખામંડળને અપનાવીને આ વિસ્તારને આરોગ્ય વિષયક સધિયારો આપ્યો છે. એજ રીતે તેમનામાં વસતા કવિ’સાજ’ આ વિસ્તારની સંસ્કૃતિમાં સુગંધનું ઉમેરણ ક્રર્યુ છે. ડો. મેવાડા પોતાના વતન વડોદરા વિસ્તારનાજ નહીં, કર્મભૂમિ ઓખામંડળના પણ સંસ્કાર-સમૃધ્ધ નાગરિક સિદ્ધ થયા છે. પોતાના શબ્દ આરાધના થકી એમણે શ્યામ પ્રેમી ભાવકોના અંતરને ‘વેણુનાદ’થી ઝંકૃત કરીને જીત્યું છે. શબ્દ જગતના એક સિકંદર કવિ ‘સાજ’ને અનેક સલામી સાથે તેમના ‘વેણુનાદ’ને આવકારતાં થયેલ આનંદને પાથરીને વિરમું છું,
‘મોરપીંછ’
સિદ્ધનાથ સામે,
દ્વારકા-૩૫૧૩૪૫

અભિનંદન..મેવાડા સાહેબ….આપની સુંદર રચનાઓને આપની પાસેથી જ સાંભળવાનો..માણવાનો લહાવો અનેક વાર લીધો છે એ કેમ વિસરાય ?