દીપઘર - સાપ્તાહિક
તા.૨૯-૧૨-૨૦૦૫
દર્દી માટે ભગવાન ડૉકટર તો ડૉકટર પણ ભગવાનના ભક્ત..
‘વેણુનાદ“ના સર્જક “સાજ” મેવાડાઃ ડૉ. પી. એ. મેવાડા, (એમ. એસ.)
-પ્રો. કે. જે. ચાવડા
દર્દીને માટે ડૉકટર ભગવાન સમાન હોય છે. આયુષ્ય રેખાનો એક છેડો ઈશ્વર પાસે તો ક્વચીત બીજો છેડો ડૉકટરના હાથમાં હોવાનું અનેકવાર બનવા પામ્યું છે. આ લખનારના જીવનમાં પણ એકવાર આવુંજ બનેલ જ્યારે ઈશ્વર અને ડૉકટર પોતપોતાની રીતો અપનાવતા હતા, અજમાવતા હતા. છેવટે ડૉકટરની જશ રેખાને ઈશ્વરે આશીર્વાદ પાઠવી સ્વીકાર કર્યો. અન્યથા ૧૯૯૩ના ડીસેમ્બેર મહિનાની ૨૩મી તા. આ લખનારની પુણ્યતિથિ બની ગઈ હોત. આવા ડૉકટરને જ્યારે ઈશ્વરનો સહિયારો, સંગાથ અને મેળાપ થાય અને તેમાં ભક્તિભાવ ભળે ત્યારે ઈશ્વર પણ પોતાના જમણા હાથને જશ આપતાં પળભરનો પણ વિલંબ કરતા નથી. ડૉકટરી વ્યવસાય અને ભક્તિ સ્વરૂપ ભજનની રચનાઓનો સમન્વય થયો છે, “સાજ” મેવાડામાં.
ઓખામંડળમાં આવેલા મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ દ્વારા સંચાલિત મીઠાપુર હોસ્પિટલના મેડિકલ સર્વિસિઝ ના મેનેજર પદે રહીને સર્જન તરીકે કાર્યરત ડૉ. પી.ઍ. મેવાડા (એમ. એસ.) જેટલા વાઢકાપના નિષ્ણાંત છે તેટલાજ ભજન અને ગીતોના સર્જક છે. તેઓએ ડૉકટરી વ્યવસાય અપનાવ્યો હોવા છતાં કૃષ્ણની બંશરીને વિસર્યા નથી. પરિણામે પ્રભુભક્તિના પ્રેમનો પ્યાલો ભરપુર પીવાનું પોતે સ્વીકારે પણ છે. કારણ તે પીવાથી ચિત્ત શાંત રહે છે, મનને શાંતિ નળે છે. તેથીજ તેઓ કહે છેઃ
“પ્રેમ પ્યાલો પ્રભુનો પીધો, છે ભક્તિની રીત,
સાચો સુર જો ‘સાજ” મિલાવે, શાંત કરે છે ચિત્ત.”
ડૉક્ટરનો વ્યવસાય એ માનવસેવાનો વ્યવસાય છે. અને માનવસેવા એજ પ્રભુસેવા છે. અર્થ ઉપાર્જનની સાથે જ્યાં માનવસેવા જોડાય છે પછી કોઇ ઢોંગ-ધતીંગ ચાલતા નથી. ડૉક્ટરે દર્દીને જે રોગ, રોગની જે સ્થિતિ હોય જેવું હોય તેવું કહેવું પડેછે. ઓઇ દંભ નહીં કોઇ જુઠાણું નહીં. “સાજ” મેવાડાને જ દંભ કે દેખાવ માટે ભારોભાર આક્રોશ છે અને તેથી જ સંસારમાં ફરતા ઢોંગીની બાબત કહેતા અચકાતા નથી.
“વરખ સોનાનો ભલે મઢીને, કરો લોઢાને રૂડો,
ભગવા પહેરી ફરેછે જગમાં, પણ અંદરથી જૂઠો.”
કદાચ ભક્તિરસના માધ્યમથી તેઓ આજના લેભાગુ કે ઉઘાડાપગા ડૉક્ટરની પણ સમાજની સાચી ઓળખાણ કરાવવા ઈચ્છતા હોય તેવું લખનારનું માનવું છે. અંગત મંતવ્ય છે. ન માત્ર ભજન પણ ડો. “સાજ” મેવાડાએ ગીતમાં પણ કાઠુ કાઢ્યું છે. પ્રતિકાત્મક કાવ્યની રસલહાણ કરાવતા તેઓ કહેછે કે,
“તારા ખેતર મધ્યે એક બાવળિયો ઉગ્યો…
અભિમાન તારુ બાવળ ને કાંટા,
જિંદગીને ખેતર તું જાણ,
જોતરી સાંતીડા ગુરુના જ્ઞાનના, ખેતર કરોને તૈયાર…”
આ જિંદગી ઈશ્વરની દેન છે, મનખા અવતાર વારંવાર મળતો નથી. પરિણામે ઈશ્વરે જિંદગી રૂપી આપેલ ખેતરમાં સતકર્મોનું વાવેતર કરવાનું “સાજ” કહેછે.
“સુકર્મો કેરુ બિયાણુ ઓરજો,
હરિનામ ખાતર નાખ,
“સાજ“ને ભરોંસે સાનમાં,
પછી સુખે સુવાનો વેપાર.”
જો સતકર્મો કર્યા હોય તો તે વેપારમાં કદી ખોટ આવશે નહીં. સતકર્મોની એજ તો મુડી છે કે ઉંઘની ગોળી લીધા વગર ઘસઘસાટ ઉંઘ આવી જાય. “સાજ” મેવાડા ઈશ્વર અને અલ્લાહમાં, ગુરુ્દ્વારા અને ગિરજાઘરમાં કોઈ ભેદ જોતા નથી. ભગવાનનો એહ્સાસ થયો હોવા છતાં જેટલા માણસો તેટલા તેના ઠેકાણા, ભગવાનને ગોતવો ક્યાં? “હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી?” નરસિંહ મહેતાની આ વાણીમાં સુર પુરાવતાં “સાજ” મેવાડા કહે છે,
“હસ્તીકા તેરી મુંઝકો એહસાસ હો ગયા હૈ,
તુમ કહાં હો મેરે માલિક, તુઝે ઢૂંઢૂં કહાં કહાં મૈ.”
બાંકે બિહારી ઉપર વારી જનાર “સાજ” મેવાડા દ્વારકાના વાસી દ્વારકાધીશ ઉપર વારી ગયા છે અને તે પણ ગોપી ભાવે. અહીં યાદ આવે છે નરસિંહ, દયારામ, દાસી જીવણ સાહેબની, કારણકે “સાજ” મેવાડાએ પણ દાસી-સખીભાવે ઈશ્વરને ભજ્યા છે. તે સ્ત્રી સહજ ભાવથી વારી ગયા છે તેથી ગાય છે,
“બાંકેબિહારી હુંતો તારા પર વારી,”
અને પરિણામે આગળ જતાં તેઓ હજું પણ કહે છે…
“ચેન નહીં આવે મને નીંદ નહીં આવે,
મુરત તારી હુંતો રહું છું નિહાળી.”
જે બાંકેબિહારી ઉપર વારી ગઈ હોય તેવી ગોપીને નિંદર કેમ આવે? જેના માટે પોતાની નિંદર વેરણ કરી હોય તે આપણી સામેજ ના જુએ તે કેમ ચાલે? માટેતો “સાજ” મેવાડાએ દ્વારકાનાથને ઠપકો આપતાં કહ્યું છે,
“ગોકુળ છોડીને ભૂલ્યો તું કાન મને,ઝરૂખે ઝુકીને નિરખીજો,
દ્વારકાના નાથ મને ઓળખી જો
વ્રજની નાર ભેળી હું રે ઉભી‘તી કાન,
મહીંની મટુકી કોની ફોડી જો !!”
સખીભાવે મીઠો ઠપકો આપનાર “સાજ” મેવાડા સમય આવ્યો વાસ્તવિક ધરતી પર આવી ચડે છે. ભગવાનને ઠપકો આપી શકાય અને ભગવાનતો ભક્તના ઠપકાને વશ થાયજ છે એટલેજ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે, “લાજ શામળા તારી જાશે” મીરાંએ પણ કૃષ્ણને કહ્યું “તારા નામે ઝેર પીધું, તારે જે કરવું હોય તે કર“, દાસી જીવણે પણ કોરી માટે કહ્યુંજ‘તું કે “તું કોરી નહીં ભરેતો જોણું તારું થાશે મારે શું?” આમ ભગવાનને જો ઠપકો આપવાની વાત હોયતો અનેક દ્રશ્ટાંતો મળી રહેશે. જેમાં ભગવાન બધાજ કામ પડતાં મેલીને ભક્તની વારે ધાયા હોય…પણ આ કાળા માથાના માનવીનો કોઈ ભરોંસો નહીં..તે શું કરે તે કહેવાય નહીં. માટેજ “સાજ” મેવાડા પોતાના પૂરક રસાસ્વાદમાં પ્રવર્તમાન સ્થિતિને નિરખી નિહાળીને કહે છે,
“રાજનીતિમાં એવુંતો ચાલ્યા કરે,
માનવતાની લાશને ગીધડાં ચૂંથ્યા કરે.”
પોતે ઈશ્વરમાં લીન હોવા છતાં વાસ્તવિકતાથી દૂર નથી. જે નગ્ન સત્ય છે તેનો સ્વિકાર કરવોજ પડે. જો જીવન ડૉકટરના જ હાથમાં હોત તો દુનિયાના કોઈ પણ ડૉકટરને ક્યારેય મૃત્યુ આવ્યું જ ના હોત. લોકોની ભ્રમણા ભાંગવા અને વાસ્તવિકતાનું બયાન કરતાં તો સ્પષ્ટ પણે લખે છે કે હરકોઈ ઈન્સાનને છેવટે ઈશ્વરના દરબારમાં હાજર થવાનું જ છે. ડૉકટર કદાચ દર્દીને જીવનદાન આપતો હોય તેવું દર્દી કે લોકો માનતા હોય પણ તેનો હુકમતો ગેબી કચેરી માંથી અપાતો હોય છે. જે હુકમને ડૉકટર પણ આધિન હોય છે. આ નરી વાસ્તવિકતા લોકો સમક્ષ તેઓ કહે છે,
“અંત સમયે રામ નામ લઈને હરખે હેતે ભેટવાનું,
‘સાજ” ના સાથીઓ ઝાઝા જુહાર તમો જ્ઞાનીને શું કહેવાનું.”
તેમ છતાં “સાજ” મેવાડા ઈશ્વરને પામવા માટેના તલસાટને દૂર કરી શક્યા નથી. ક્યારેક આવું આપણી સામેજ હોય છતાં બહાર ફાંફાં મારવા કે ખાંખાંખોળા કરતા લોકોને તે અંતે કહે છે,
“પામવા ઈશને આમતેમ ભટક્યા કરે,
કેડમાં છોકરુંને ગામમાં શોધ્યા કરે.”
ભક્ત કવિ ડૉ. “સાજ” મેવાડાના સ્વરચિત ભજન-ગીત નો કાવ્યસંગ્રહ “વેણુનાદ” ના વિમોચન વિધિ મીઠાપુરમાં સંપન્ન થવી તે પણ મીઠાપુરની ભૂમીની ધન્યતા કહેવાય.
પ્રો. કે. જે. ચાવડા-માલિક/પ્રકાશક, ‘દીપઘર’ સાપ્તાહિક(દ્વારકા)
દર્દી માટે ભગવાન ડૉકટર તો ડૉકટર પણ ભગવાનના ભક્ત..
when medicine is not working then only good faith for God work…
આદરણીય ડૉક્ટરશ્રી મેવાડા સાહેબ,
આપની સંગીત અને સહિત્ય પ્રત્યેની રૂચી જોઈને ઘણોજ આનંદ થયો છે.
આમજ શબ્દદેહ થઈને મળતા રહેશો.આપનો આભાર
માર્કંડ દવે.