સૌ પ્રથમ આપે ૠષિ પરંપરા મુજબ વિઘ્નહર્તા ગણનાયક શ્રી ગણપતિજીને યાદ કરી તેના અનેક નામોથી સંબોધિત કર્યા છે, ગણપતિ પણ આ નામોથી આપને મદદરૂપ થાયજ ને!
સાહેબ, વેણુનાદમાં આપે ક થી જ્ઞ અને અ થી અઃ સુધીના વ્યંજન અને સ્વરની મદદથી ભાષાની જે ગુંથણી કરી છે, મમળાવવા જેવી માળારૂપ છે.
આ વખતે એવું લાગે કે આપ માત્ર શરીરના એક એક અંગને ઓળખી તેને વ્યવસ્થિત કરવાના ઉત્તમ વાઢકાપના નિષ્ણાંત જ નથી શબ્દોના પણ વાઢકાપના નિષ્ણાંત પણ છો જ.
નિરસ ગણાતો કોઈપણ વ્યવસાયમાં આપ કાવ્યનો રસાસ્વાદ ઉત્પન્ન કરી તેને રસીક પણ કરી શકો છો.
આમતો આપણામાં એક એવી માન્યતા છે કે કવિના નામથી સૌ ભડકે, પણ અહીં આપે આ વાતનું છેદન કર્યું છે. આપની કવિતા, કે આપને મળવું આનંદદાયક બને છે હોં!જીવન ખેતર‘ માં તમે માનવજીવનમાં ઊગી નીકળતા અભિમાન રૂપી બાવળને દૂર કરી ખેતરરૂપી સુંદર જીંદગીને જ્ઞાનના ગુરુના સાંતીડા જોતરવાની જે વાત લખી છે, તે ખરેખરતો નરસી-મીરાંની યાદ આપી જાય છે. પાનબાઈ પણ આવીજ વાત લખી ગઈ છે.
વખાણ નથી કરતો પણ નિર્ભેળ સત્ય એ છે કે આપ પણ એઓની હરોળમાં મૂકાઓ છો.
‘સુકર્મો કેરું બિયાણું ઓરજો, હરિનામ ખાતર નાખ‘ઓહોહો કરી નાખ્યું છે તમે સાહેબ! અને વાત સાચી જ છે, આપણે બાવળ વાવીને મહામૂલી જીંદગી વેડફી નાખીજ છે. આપે આ માટે લાલબત્તી ધરી છે! ધન્ય છે! ધન્ય છે! ધન્ય છે!મારા રામજીની વાતો‘માં મમત અને હઠ કેવા દુષ્પરિણામ લાવે છે અને એજ હઠ શબરી જેવી જોઈએ કહી હઠને વગોવી નથી સાહેબ.ખેલો કહાના મોરે સંગ હોરી‘ માં રાજસ્થાની મીરાંની ભાષા વાપરી આપે અનેકવિધ ભાષા ક્ષેત્રે પદાર્પણ કર્યું છે એ છાનું નથી રહેતું.
આપની પ્રતિભા ‘વાઢ્કાપ નિષ્ણાંત‘ છે એવું નથી આપમાં અનેકવિધ નિષ્ણાંતપણું પણ દેખાઈ આવે છે હોં!
આપમાં માત્ર કાવ્ય રચના જ નથી, રાગ રાગિણીનું પણ જ્ઞાન ભર્યું છે. સા રે ગ મ પ ધ નિ સા, આ સાત સ્વરના આટાપાટા પણ તમે જાણોજ, એ ઓછું નથી વિરાટ છે. રામ કૃષ્ણ ઈસાઈ નાનક સૌને આપે યાદ કર્યા છે. આપમાં અનેક ક્ષેત્રો અને અનેક ધર્મનું જ્ઞાન પણ છે.
સાહેબ, આપે તખલ્લુસ નામ ‘સાજ‘ પસંદ કર્યું એ સાવ સાર્થક છે. સાગર જલનું ટૂંકું ‘સાજ‘ થાય . સાગર જલ અફાટ છે. તેના પેટાળમાં અનેક રત્નો છે. અખૂટ ભંડાર છે. મરજીવા બની તેને શોધવા પડે. તમે સાગર જલના મરજીવા જેવા છો, આપે સાગરજલમાંથી પાણીદાર મોતીરૂપ ‘વેણુનાદ‘ શોધ્યો છે.
ચાલો આવજો સાહેબ, મને ‘વેણુનાદ‘નો નાદ લાગી ગયો છે.
આભાર, અસ્તુ
આપનો
મગનભાઈ ભટ્ટના જય વેણુનાદ
તા. ૦૭/૧૨/૦૫
શ્રી મગનભાઈ ટી. ભટ્ટ-પ્રેસ પ્રતિનિધિ(મીઠાપુર)