Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

193-Jivashe(Gazal)-જીવશે(ગઝલ)

193-Jivashe(Gazal)-જીવશે(ગઝલ)

માનવી જંજાળ સાથે જીવશે,

ને મરણની ફાળ સાથે જીવશે.

ડર હશે ડૂબી જવાનો તે છતાં,

મરજીવો પાતાળ સાથે જીવશે.

માનવી ભોળો હતો બાળક સમો,

ચાંદ જોવા થાળ સાથે જીવશે.

મોતનો આતંક માથે હોય પણ,

મા હશે હેતાળ, સાથે જીવશે.

સાજપર છેડી હશે એણે ગઝલ,

સરગમી સંભાળ સાથે જીવશે.

-‘સાજમેવાડા

   Venunad.wordpress.com

 

 

Advertisements

આજે એક વ્યંગ ગઝલ રજું કરું છું. (ના સમજાયતો મક્તા ફરીથી વાંચશો)

192 – કૂતરો વ્યંગ ગઝલ

આગળ પાછળ છે ફરનારો, જોયો કૂતરો,

દોસ્ત હતો કે દુશ્મન મારો? જોયો કૂતરો.

પીઠ પછાડી છાનો આવી બચકાં ભરતો,

હાથી પાછળ એ ભૂંકનારો, જોયો કૂતરો.

આવે કોઈ જો શેરી નાકે, ભસવા માંડે,

રાત દિવસ કરતો દેકારો, જોયો કૂતરો.

પૂંછ હલાવી પગ ચાટે ને સ્નેહ બતાવે,

જાણે એતો છે નોંધારો, જોયો કૂતરો.

‘સાજ’ તમે કંઈના સમજ્યા એના વાદે,

માણસ જેવો થઈ રે’નારો, જોયો કૂતરો.

‘સાજ’ મેવાડા

 

 

 

191-Jivi Javu-Gazal-જીવી જવું-ગઝલ

191-Jivi Javu-Gazal-જીવી જવું-ગઝલ

શ્વાસ ચાલે ત્યાં સુધી જીવી જવું,

પીંજરેથી તે પછી ઊડી જવું.

જિંદગીનો અર્થ સીધો જાણવા,

જો, કળીને ફૂલ થઇ ફોરી જવું.

જે સમયને સ્થળથી સાપેક્ષ છે,

સત્યને સંજોગથી સમજી જવું.

દે ભલે મિષ્ટાન કળવો લીમડો,

છે ફકીરી કામ ઘોળી પી જવું.

આગ ચાંપે, ઘા કરે તલવારનો.

રામ રાખે મોતને આંબી જવું.

દૂશ્મનીતો કોઈથી કરવી નથી,

જ્યાં મળે પ્રેમ ત્યાં ચાલી જવું.

આવ સર્જનહાર રોકીલે મને,

‘સાજ’નું બેસૂર થઇ ટૂટી જવું.

-‘સાજ’ મેવાડા

190-પ્રતાપી દે મને-ગઝલ

પ્રેમથી ચરણે પ્રતાપી દે મને,

મદ ભર્યા નયનોમાં સ્થાપી દે મને.

રોજ મારી પ્યાસ વધતી જાય છે,

જામ છલકાવી, કદાપિ દે મને.

વાટ જોતાં થાકવાનો હું નથી,

કોઈપણ જન્મે ઉત્થાપી દે મને.

હું વધારે તો નથી કંઇ માગતો,

એક તારું નામ આપી દે મને.

તેં દિધેલા દર્દ બેશુમાર છે,

એમ થોડાં સુખ માપી દે મને.

એકલો આ ‘સાજ’ જાતે શું કરે,

સૂર તારો, ઓ કલાપી દે મને.

-‘સાજ’ મેવાડા

 

189-Thay Shu-Gazal-થાય શું?- ગઝલ-

189-થાય શું?- ગઝલ

દૂરથી નોટો નિહાળે, થાય શું?
કામ એનું ટંકશાળે, થાય શું?
હોયના વિશ્વાસ એને જાત પર,
રોજ સિક્કો એ ઉછાળે, થાય શું?
કાપવાનો વૃક્ષ કઠિયારો હવે,
ઊભવાનો એજ ડાળે, થાય શું?
હોય છે સંબંધ લોહીનો છતાં,
અંતમાં તો એ જ બાળે, થાય શું?
પ્રેમ બચપણથી હતો, આજેય છે,
હાલ એ મળવાનું ટાળે, થાય શું?
*ઝાંઝવાં છે ઝાંઝવાં ચારે તરફ,
પ્યાસ ભટકે રણ વચાળે થાય શું?
વેદના વધતી જશે તો ગીતમાં,
રાગ ભૈરવ ‘સાજ’ ઢાળે, થાય શું?
-‘સાજ’ મેવાડા
* અવસરિયત ગઝલ સ્પર્ધાનો મિસરો.

189-Thay shu-Gazal-Saaj Mevada

188-ગઝલ-રોકાતાં નથી-Rokatan Nathi

188-ગઝલ-રોકાતાં નથી-Rokatan Nathi-Saaj Mevada

188-ગઝલ-રોકાતાં નથી-Rokatan Nathi

આ દિવસ ને રાત રોકાતાં નથી,

માનવીનાં દર્દ બદલાતાં નથી.

પાપના ડાઘા પડ્યા છે જાત પર,

એ હવે ગંગામાં ધોવાતાં નથી.

કંઠમાં ડૂમો ભરી વેઠ્યા કરો,

કોઈથી પણ આંસું લોવાતા નથી.

આવશે તો આવશે એ પાનખર,

ફૂલ કાગળના જ કરમાતા નથી.

રાખ તારા ‘સાજ’ને અભરાઈ પર,

ગીત આજે કોઇ પણ ગાતાં નથી.

-‘સાજ’ મેવાડા

 

 

186-રાખું છું-ગઝલ-Rakhuchhu-Gazal

186-રાખું છું-ગઝલ
ધર્મની આગવી દીવાલ રાખું છું,
આ તિલક ખાસ મારે ભાલ રાખું છું.
ઘાવ ઊંડા કરે છે લોક દુનિયાના,
વારને ખાળવાને ઢાલ રાખું છું.
હોય મઝધારમાં ડૂબી જવાનો ડર,
નાખૂદા પર ભરોસો હાલ રાખું છું.
યાદ એની હ્રદયના શૂળ જેવી છે,
વેદનાની દવા તત્કાલ રાખું છું.
ભૂલ મારી કદી થઇ જાય ત્યારે હું,
ગાલ પર દઇ તમાચો લાલ રાખું છું.
‘સાજ’ મક્તા કહે પણ દાદ ના દેશો,
ના મળ્યો શબ્દતો ગાગાલ રાખું છું.
-‘સાજ’ મેવાડા