Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2009

કોઈ પણ મંદિરમાં Security નો પ્રશ્ન મોટો હોવાથી રક્ષકો હોય છે. આ જોઇને આ રચના લખાઈ.સામાન્ય લોકો માટે મોટા મંદિરોમાં દર્શન દુર્લભ છે.

 નહીં રે આવું

 મને ગોકુળ ગમે ને વ્રજ વ્હાલું,

શામળિયા દ્વારિકામાં નહીં રે આવું.

સોનાના મહેલ તારા ગોરજ મ્હારું,

શામળિયા દ્વારિકામાં નહીં રે આવું.

દ્વારે ને ચોકે તારા રક્ષકની ટોળીઓ,

રંગ મહેલ ને એની ઊચીં છે મેડીઓ,

ગોપી ગોવાળ ઘેલું ગોકુળ મ્હારું

શામળિયા દ્વારિકામાં નહીં રે આવું.

શંખ નગારાં ને ઘંટારાવ ગાજે,

રુકિમણિ સાથે ઝૂલે હિંડોળા ખાટે,

વેણુધર રાધેશ્યામ ક્યાંથી લાવું,

શામળિયા દ્વારિકામાં નહીં રે આવું.

નટખટ તે નંદલાલ રાજાધિરાજ છે,

ભૂલ્યો છે “સાજ” કદી ભૂલ્યો ના નાથ છે,

સાદ કરે સપનામાં દોડી આવું,

શામળિયા દ્વારિકામાં નહીં રે આવું.

રાગ – ક્લ્યાણ

“સાજમેવાડા

Note: This was published by Dwarka Sharadapith, in their monthly ‘Shri Navabharati’ in May 2006 issue.

Read Full Post »

Ma Sharada devi 4Jan2013 TOI

 

અભિશાપ

આપણને ઘણી વાર વિચાર આવે કે ભગવાન જેવા ભગવાનને પણ આવા દૂન્યવી દુઃખો કેમ પડતા હશે? એવું કથાઓ કે ધર્મ ગ્રંથો માં વાંચવા મળછે, પ્રભૂ જ્યારે માનવિય અવતાર ધારણ કરે છે ત્યારે બધુજ માનવીની જેમજ થાયછે. અભિશાપ કે શ્રાપ પણ એમને લાગે. આવી વાત ધ્યાનમાં આવતાં આ રચના બની.

સાથે એ પણ સમજાયું કે પ્રભૂને માનવ અવતારમાં આ બધું વેઠવું પડે છે, તો આ પામર માનવી દુઃખોથી રડે એમાં શી નવાઈ? આવા સમયે પ્રભૂને પ્રાર્થના કરીએ કે “હે પ્રભૂ, તમે જેમ અંતે જીવન પૂરુ કર્યું,તેમ અમારુ પણ વિતિ જાય, અમને શક્તિ આપો.”

હોય રાજા કે પ્રભૂ અવતાર રે,

અભિશાપ મિથ્યા ના થાય કોઈ કાળ રે.

માનવીતું રડે દુઃખોને શું કામ રે,

પ્રભૂ તને શક્તિ આપે તુમ સહી જાણરે.

શ્રવણને વિયોગે શ્રાપ અંધ મા-બાપે દીધો,

રાજા તને (દશરથ તને) અમારું દુઃખ લાગી જાયરે,

અભિશાપ મિથ્યા ના થાય કોઈ કાળ રે…..માનવીતું

દુર્વાસા ને શ્રાપે રાણી રુકિમણિ વગડામાં વસે,*

પટરાણી એતો દ્વારિકાના નાથની કહેવાયરે,

અભિશાપ મિથ્યા ના થાય કોઈ કાળ રે…..માનવીતું

સુદર્શનધારી દેહ પારધી ના બાણે છોડે,

યદુકૂળનો નાશ એવો ગાંધારીનો શ્રાપ લાગી જાયરે,

અભિશાપ મિથ્યા ના થાય કોઈ કાળ રે…..માનવીતું

“સાજ”ના આનંદનો ભેદ જાણે તો કોણ જાણે?*

અભિશાપ એને પ્રભૂ ચરણ નો લાગી જાયરે,

અભિશાપ મિથ્યા ના થાય કોઈ કાળ રે…..માનવીતું

રાગ – સારંગ

“સાજ” મેવાડા

**નોંધ – રુકિમણિ નું મંદિર દ્વારિકાની બહાર આવેલું છે, એના અનુસંધાનમાં આ લખાયું છે.

મારુ મૂળ શહેર-ગામ છોડી દ્વારિકાધીશ ના સાંનિધ્ય માં આવ્યો.

Read Full Post »

લાગી લગન

“લગન લાગી” ઉપર  કબીરર્થી માંડીને ઘણા કવિ-ભક્તો એ લખ્યું છે. હું પણ એમાંથી બહાર નથી રહી શક્યો. ભજનની ધુન લાગે પછી પ્રભૂ, શ્રીકૃષ્ણ હોય કે શિવ કે અન્ય દેવિ-દેવતાઓ, એમના નામે કિર્તન કરી સ્મરણ કરીએ.

લાગી લાગીરે લગન મને હરિ નામની,

દુનિયાની માયા મારે શી કામની?…..લાગી લાગી રે.

ગજાનન ગણપતિ વિઘ્નહર બોલું,

ચરણોમાં બેસી કરું પૂજા એમની…..લાગી લાગી રે.

રામ રામ બોલું હુંતો સિયારામ બોલું,

હનુમાને કીધી મને કથા રામની…..લાગી લાગી રે.

કૃષ્ણ કૃષ્ણ બોલું હુંતો રાધેશ્યામ બોલું,

વેણુના નાદે ઝૂમું વાટે વ્રજની…..લાગી લાગી રે.

શિવ શિવ બોલુ હુંતો ભોલેનાથ બોલું,

હરિ ૐ હર હર મહાદેવની…..લાગી લાગી રે.

વિણાદેવી સરસ્વતી શારદેમા બોલું,

મૃદંગ ના તાલે બોલું ધુન “સાજ”ની…..લાગી લાગી રે.

રાગ – ભુપાલી

“સાજ” મેવાડા

Note:

જોગાનુજોગ  “લાગી રે લગન” ઉપર ત્રણ સંગિતકારો એ જુદી જુદી રિતે સ્વરબદ્ધ કરેલુ એક ગીત ત્રણ ગાયકોના અવાજ માં સાંભળવા મળ્યુ. તમે પણ મજા માણો. 

http://tahuko.com/ dated November 28th, 2009

http://www.mavjibhai.com/

Read Full Post »

સાચું સગપણ!

ઘણી વાર આ પ્રશ્ન થઈ આવે કે આપણુ ખરેખર કોઇ સગુ-વહાલું છે કે બધાં સ્વાર્થનાં જ સબંધો છે.

આખરે આવું કઈંક લખાઈ જાય. મને તો અનૂભવથી એજ પાર્થના કરવી ગમે કે ભલે મારું કોઇ ના હોય,દ્વારિકાનો નાથ તું મને ના છોડી જઈશ.

 

 

સગપણ કાચું છે તારે સંસારીની સાથે,

શામળિયાનું સગપણ સાચું સાચું.

 

ઝેરનો પ્યાલો રાણો મીરાં ને મોકલે,

અમૃત કરી મીરાંને દીધું દીધું……શામળિયાનું

 

વસ્ત્રો પુર્યા છે સખી દ્રૌપદીને કાજે,

સભામાં સૌનું મુખ નીચું નીચું……શામળિયાનું

 

નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી,

સુદામાનું ધન દુઃખ ભાંગ્યું ભાંગ્યું……શામળિયાનું

 

“સાજ” ને ભરોસો દ્વારિકાના નાથનો,

સઘળુ જીવન તેને ચરણે ધર્યું……શામળિયાનું

 

રાગ – ?

“સાજ” મેવાડા

Read Full Post »

ભગવાન શ્રીકૃષ્ણ તેમના જીવનકાળ દરમ્યાન ઘણી માનવીય હરકતો કરેછે. એકવાર એમનું માથું દુખેછે અને આકુળ-વ્યાકુળ થઈ જાયછે. પણ ખરુ કારણ કંઈક બીજુજ હોય છે.

કોઈપણ માનવીની જેમજ એ પોતાનું બાળપણ જ્યાં વિત્યું છે તે ગોકુળ અને ગોપ-ગોપી- રાધા

અને મિત્ર મંડળની યાદોમાં ખોવાઈ જાય છે. શ્રીકૃષ્ણના આ માનવિય ભાવોની મઝા માણીએ.

        શ્યામનું શિરશૂળ

શિરશૂળ ઉપડ્યું છે શ્યામને મ્હારા,

જાઓ સખી વૈદને બોલાવો રે,

મ્હારા શ્યામને દર્દથી છોડાવો રે.

 

પીધા ઓસડિયા ને લેપને લગાવે,

તોયે શ્યામ દર્દથી પીડાયે રે….મ્હારા શ્યામને

 

રુકિમણિ શિર દાબે ચિંતા કરે નાથની,

તોયે શ્યામ બોલે ના ચાલે રે….મારા શ્યામને

 

ભુવા બોલાવો ને જોષીડા તેડાવો,

(એની) દાણા જોઇ નજરું ઊતારો રે….મ્હારા શ્યામને

 

નારદજી આવ્યા ને ધ્યાન ધરી બોલ્યા,

જાઓ કોઇ પૂછો વ્રજ નારને રે….મ્હારા શ્યામને

 

પાદરજ ગોપીઓની ઔધવજી લાવે,

હસી ઊઠે શ્યામ મધુર ગાવો રે….મ્હારા શ્યામને

 

દ્વારિકાનો નાથ કરે લીલા “સાજ” જ્યારે,

એને ગોકુળની યાદ સતાવે રે….મ્હારા શ્યામને.

 

રાગધાની

સાજમેવાડા

Read Full Post »

નટખટ એવો નંદલાલ બાળ કનૈયો ગોકુળની ગોપીઓને કંઈને કંઈક રીતે રંજાડે છે. પાણી ભરવા જતી કે મહીં વેચવા જાય ત્યારે મટુકી ફોડે, કે દાણ માગે. જમના કાંઠે ન્હાવા ગઈ હોય ત્યારે વસ્ત્રો ચોરે. અડધી રાતે વાંસળી વાગાડી ઊંઘ માં બહાવરી બનાવી ઘર-બાર છોડી દોડાવે. જ્યારે બધી ગોપીઓ ભેગી મળી માતા જશોદાજીને ફરિયાદ કરે ત્યારે જશોદજી કહે,”મારો કાનુડો વહેલી પરોઢથી ગાયો ચારવા નિકળી પડેછે, તમે તેની ફરિયાદ શાની કરોછો? વાંસળી વગાડે અને સૂરો થી ખેંચાઈ ને રાધા પણ ઘેલી બનીને દોડી આવે એમાં કનૈયાનો શું વાંક?” કોઇ પણ માતાની જેમજ કનૈયાની મા પણ બાળકનું ઉપરાણું લે છે. મા ના પ્રેમનું આ સુંદર રહસ્ય છે.

પરોઢે ઊઠી વ્હેલો ધેનુ ચરાવે,

ઝાલર ટાણે લાલો સિધો ઘેર આવે,

મારા વ્હાલા કાનને કાંઈ ના કહેશો,

એને કાંઈના કહેશો, એને ચોર ના કહેશો…મારા

ગોવાળો તેની સાથે રમવાને આવે,

લાગે દડોને કોઈની મટુકી જો ભાંગે,

એની ગોપીઓ રાવ શાને મારે ઘેર લાવે?…મારા

વેણુંના નાદે છોરી બરસાણાની આવે,

સહિયરો સાથે ઘેલી રાસ રચાવે,

મીઠી મીઠી વાતો કરે એને ભરમાવે…મારા

મારા કનૈયાને માખણ બહું ભાવે,

વ્રજ ની નાર બધી એનો વાંક કાઢે,

માખણ ચોર કહે એને ધમકાવે…મારા

દોડી કનૈયો માની ગોદમાં ભરાયો,

બડભાગી “સાજ’ જુવે ભાવભીની આંખે,

માતાના પ્રેમ તોલે કોઈના આવે…મારા

 

રાગ – ધાની

સાજ” મેવાડા

Read Full Post »

હું હવે જોઇ રહ્યો છુ, મારા મોતને,

થોદે દૂર ઊભું બોલાવિ રહ્યું છે સાનમાં;

જરા થોભીજાને ઓ મિત્ર મારા,

જિવવાનો મર્મ જાણી લઉં થોદી વારમાં.

“સાજ” મેવાડા

જોગાનું જોગ કે વિધિ નું કરવું, “प्रभु मेरो ए कैसो है बंधन”, WordPress ના મારા Blog માં મૂક્યુ. તે સાંજેજ મારો નાનો ભાઈ દેવલોક પામ્યો. વેદનાને શી રીતે વ્યક્ત કરૂ? એવાજ કોઇ પ્રસંગે લખાયેલી આ રચના મૂકુ છૂ. પાર્થિવ દેહને શ્મશાને વળાવવા જતાં સર્વે સંબંધીજનોને જઈ રહેલો આત્મા આ રીતે સમજાવે છે.

               મારે આગળ એકલા જવાનું

વ્હાલાં સિધાવો ટાણું હવે પાછા વળવાનું,

ભલો આ સાથ સિમાડા સુધી….મારે આગળ એકલા જવાનું.

સાથે ફર્યાને સાથે ખરચ્યું ઘણું,

આ મનખા દેહનું નાણુ,

આખરી વિદાય આ વસમી લાગે પણ,

આમજ મેળામાં મળવાનું…મારે આગળ એકલા જવાનું.

ચાંદો સુરજ દિશે અવિચળ તોયે,

તારાએ એક દિ ખરવાનું,

નીચે પાણીને ઊપર વાદળ એમ,

આતમ નુ રૂપ એક જાણું,મારે આગળ એકલા જવાનું.

આવેલું તેડુ પરલોક્થી આતો,

નથી કોઇ કાળે ફરવાનું,

જીવન દીવડો ઘણો પ્રકાશ્યો,

અંતે તો તેલ ખૂંટ્વાવું,મારે આગળ એકલા જવાનું.

અંત સમયે રામ નામ લઈને,

હરખી હેતે ભેટવાનું,

“સાજ”ના સાથીઓ ઝાઝા ઝુહાર,

તમો જ્ઞાનીને શું કહેવાનું?…મારે આગળ એકલા જવાનું.

રાગ – ભૂપાલી

“સાજ” મેવાડા

Read Full Post »

Older Posts »