Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2010

 

 

શ્રીકૃષ્ણ દ્વારકાધીશ વિષેની આ પ્રકારની ભક્તિ રચના ‘ચાળીસા’, લખવા મારા પરમ મિત્ર શરદ મહેતા ઘણા સમયથી કહેતા હતા. કંઈક નવું હોવું જોઇએ એવું લખાયતો બધાને ગમે. વિષય મને અચાનકજ એમણેજ આપેલી પુસ્તિકા વાંચી મળી ગયો.

     શ્રી દ્વારકાધીશ ષોડશકલાત્મક દર્શન…” પ્રા. શ્રી નિર્ભયરામ હરજીવન પૂજારી, એમ..(સંસ્કૃત),શ્રી દ્વારકાધીશ મંદિર ના પૂજારી પોતે, એમણે  લગભગ ૩૦ વર્ષો પહેલાં લખેલી ખરેખર વાંચવા જેવી અને મનન કરવા જેવી લાગતાં ઘણીવાર વાંચી અને  ‘ચાલીસા’લખવા શરું કર્યું. પણ અઘરા સંસ્કૃત શબ્દોને લયમાં ઢાળતાં દસેક દિવસ લાગ્યા.સંપૂર્ણ રચના વાંચી મારા મન-આત્મા ને સંતોશ થયો છે. જોકે કેટલીક ખામીઓ અનિવાર્ય બની ગઈ છે, અને હું એનાથી સભાન છુંજ. આપ સૌના અભિપ્રાય વગર મહેનત લેખે ના લાગે. અંતમાં એજ કહેવાનું કે, જય દ્વારકાધીશ!

 

શ્રી દ્વારકાધીશના ષોડશાદર્શન ચાલીસા

                      દોહરો

કૃષ્ણ ભજતાં ભવ તારે, રાધા દીજે જ્ઞાન,

ના ભજે આ અવતારે, ક્યારે ધરશો ધ્યાન.

                  ચોપાઈ

આનર્ત દેશ ગોમતી ઘાટે,સાગર તારાં ચરણ પખાળે,

ચાર ધામોમાં દ્વારકાપુરી, દર્શન કરે તેની યાત્રા પૂરી.

હરે કૃષ્ણ ધૂન સંભળાતી, ગલી ગલી ને આંગણ ગાતી.

મોક્ષદાયી સદા રે’વાની, પ્રલય થાય કે ધ્રુજ ધરાની.

તટે સાગરને સાત ઝરૂખે, બાવન ગજી ધજાઓ ફરકે,

જય જય જય શ્રી કૃષ્ણ મુરારી, સેવા કરે ગુગળ નર નારી.

ગોપાલ તારું શ્રીઅંગ કાળું, છે ઉપાંગો આયુધો વાળું.

ચતુર્ભુજ હરિ મોરપિછ ધારી, દર્શન તારાં મંગલકારી.

કૌસ્તુભમણિ શ્રીહરિ ને કંઠે, વિષ સમાયું મહાદેવ કંઠે.

સમુદ્રમંથન કૂર્માવતારે, સૌના બંધન પાર કરેએ.

શ્રીવત્સલાંછન ભૃગુએ દીધું, કરુણા કરીને હૈયે લીધું,

ગૌ બાહ્મણના પાલક જાણે, ભક્તો એના વૈકુંઠ માણે.

યજ્ઞોપવિત હરિ અંગે ધારે, ગર્ગાચાર્યશું શિશ નમાવે,

પ્રસ્થાપ્યો જે ધર્મ ગોપાળે, ગુરુની આજ્ઞા એવી પાળે.

શેશશૈયા પર હરિ બિરાજે, સાક્ષાત લક્ષ્મી ચરણ સેવે.

નાભિકમલ આદિનારાયણ તું, ભક્ત હ્રદયમાં સદા વસે તું.

કાળીનાગનો પાશ કટિએ, વિષ રહિત જમના જળ ભરીએ,

જય જય જય શ્રીગોકુળનંદના,વંદન કરીએ યદુનંદના.

ધેનુ ચરાવે ગોકુળ ગામે, નંદ જશોદા મહાસુખ પામે.

મદ ઈન્દ્રનો એવો તોડે,ગોવર્ધનધારી નામ સોહે.

મથુરામાં મલ્લકચ્છધારે,ચાણૂર મુષ્ટિક કંશ મારે,

જેવો જે તેવો તે દીસે, ગોપ ગોપી રાધાને રિઝે.

વરુણ થકી વૈજયન્તી માળા,ગ્રહી કરે લક્ષ્મી વરમાળા,

ભાવે વરી હરિને પિછાણી, પૂર્ણ ‘પૂરૂષ’ પૂર્ણતા પામી.

પાંચ્જન્યશંખ ધરા ધ્રુજાવે, નાદ સુણીને શૂરવિર જાગે,

સાંદીપનિ પુત્ર પાછો લાવે, દક્ષિણા આપી ગુરુને ભાવે.

વિરાટ દર્શન અક્રુર પામે, અર્જુન જાગે ગીતા જ્ઞાને.

અગણિત હરિની લીલા ન્યારી, સુર-અસુરને વ્રજે નિહાળી.

હિમાલયે જઇ શંકર સામે, સુદર્શનચક્ર તપથી પામે,

હણે શ્રીદામ શિશુપાળ દૈત્યો, ચક્ર થકી હરિ રણમાં જિત્યો.

ગદ્યા કૌમોદકી વરુણ દૈવી, દાહ બતાવે ખાંડવ વનની,

અસુર જરાસંઘ રણથી નાઠો, અઢારે વાર  ઠોકર ખાતો.

ગજગ્રાહે ગજેન્દ્ર ઉગારે, પિડ સુદામાની હરિ તું ટાળે,

અભય પ્રતિક પદ્મ કર ધારે, કરુણાસાગર ભયથી ટાળે.

પાર્ષદો તારા અતિ બળવંત, લક્ષ્મી સરસ્વતી નંદ સુનંદ,

પરમાનંદને જ્ઞાન પામે, દર્શન તારું પાર્ષદો નામે.

નિરંતર હરિ છે વાસ તારો, ચરણે પડે આ દાસ તારો,

સુરદાસ મેહતા નરસીંની, અમર સમાધી છે મીરાંની.

શ્રીનાથના શ્રીઅંગ સાથે, ષોડસ ચાળીસા દિવ્ય નાદે,

‘સાજ’ સહિત ભક્તો જે ગાશે, મોક્ષદ્વારે ભવ તરી જાશે.

        દોહરો

કૃપા કરીને સુણજો, ષોડશા દર્શન સાર,

કૃષ્ણજ તારો સારથી,પાર કરે સંસાર.

સાજમેવાડા

Read Full Post »

આ કાવ્ય મારી ગમતી ઉત્કૃષ્ઠ રચનાઓ માંની એક છે. આભિમાન માં રચેલો કે ઘમંડી મનુષ્ય કંઇ કેટલીય રિતે ખોટા કર્મો માં ફસાય છે. એમાં થી બહાર નિકળવા કોઇ સદ્ ગુરુ કે ‘રાહનુમા’ ની જરુર હોય છે. ખેતર એક જીવન છે એવું રુપક રચ્યું છે. જીવનના અંતે સારું કર્યાનો કે સારી કમાણી કર્યાનો આનંદ ત્યારેજ આવે જ્યારે આપણે સુધ્ધ અને સાત્વિક જીવ્યા હોઇએ.

       એટલેજ દ્વારિકાના સાહિત્યકારસાક્ષર શ્રી ઈશ્વર પરમાર મારી આ પૂસ્તિકાની વાત કરતાં લખેછે કે,”…કવિ ‘સાજ’ને ગુજરાતી સાહિત્યના વર્તમાન ભક્ત-કવિઓની પંગતમાં બેસવાનું માન અપાવે તેવી સબળ છે”.

જીવન ખેતર

તારા ખેતર મધ્યે એક બાવળિયો ઉગ્યો,

એને સિંચતો મા પાણી લગાર.

વંઠી વંઠી ને એની ડાળીઓ ફેલાશે,

એના કાંટાનો ના’વે પાર,

ભાઇ મારા સિંચતો મા પાણી લગાર.

લેને કોદાળો લેને તારો પાવડો,

બાવળના મૂળ ખોદી કાઢ,

દખ્ખણ દિશામાં જોને મેહુલિયો ગાજે,

વિજળી કરેછે ચમકાર….ભાઇ મારા

અભિમાન તારું બાવળને કાંટા,

જિંદગીને ખેતર તું જાણ,

જોતરી સાંતીડા ગુરુના જ્ઞાનના,

ખેતર કરોને તૈયાર….ભાઇ મારા

સુકર્મો કેરું બિયાણું ઓરજો,

હરિનામ ખાતર નાખ,

‘સાજ’ના ભરોસે સાનમાં સમજો,

પછી સુખે સૂવાનો વેપાર….ભાઇ મારા.

રાગ – ભિમપલાસી

‘સાજ’ મેવાડા

Read Full Post »

આપણે જુદા જુદા નામે ઈશ્વર ને ભજીએ છીએ. પણ આખરેતો એવી કોઇ શક્તિને ભજીએ છીએ કે જે આ સૃષ્ટિની ઉત્પતિ અને નાશ માટેની પ્રક્રિયાનો આધાર છે. અંતેતો આ વિરાટ સામ્રાજ્યના આપણે એક માત્ર અંશજ છીએ, અને સૌએ એકજ રસ્તે જવાનું છે. રાહ જૂદા મંજિલ એક છે.

નિજાનંદીસાજબતાવે હરિનો મારગ સિધો,

ભેદ ભેદમાં ભેદ ઘણા પણ અંતરમુખ એક દિઠો.

લક્ષ્ય એક ભાઇ

રામ ભજો કૃષ્ણ ભજો ભજો સત્ય સાંઇ,

ભક્તિમાં ભેદ ઘણા, લક્ષ્ય એક ભાઇ.

ગંગા કાંઠે ડૂબકી મારો, સ્નાન કેવુ ભાઇ?

દરિયામાં ઊંડા જળે મોતી મળે ભાઈ.

પૂજા પાઠ મંત્ર જપથી પંડો ખૂશ થાઈ,

અંતરમાં રામ રમે પ્રાણ પ્રસન્ન ભાઈ.

કંચન કથીર એક લાગે, અંત સમે ભાઈ,

રામ નામ સાચું નાણું, સાથે લેવુ ભાઈ.

“સાજ” સાથે ગીત ગાવું, મસ્ત રહેવું ભાઈ,

ભાગ્ય છોડી રામ ચરણે નિત્ય જાવું ભાઈ.

રાગગુર્જરી તોડી

સાજમેવાડા

Read Full Post »

મારી પાર્થનાદયાળુ પ્રભુ….

દયાળુ પ્રભુ મને સંભાળી લેજો,

વિકટ પંથે ભૂલો પડુ તો વાળી મને લેજો….દયાળુ પ્રભૂ

સત્ય માર્ગે ચાલુ એવુ જ્ઞાન મને દેજો,

વિઘ્નો મારે આડે આવે ટાળી એને દેજો….દયાળુ પ્રભૂ

મોહ માયા ને મમતા કેરો ભેદ મને કે’જો,

પ્રેમ પિછાણી જાણુ એવી મતિ મને દેજો….દયાળુ પ્રભૂ

દુઃખો વચ્ચે હસું એવી શક્તિ મને દેજો,

અશ્રું આંખે આવે ત્યારે પડખે મારી રે’જો….દયાળુ પ્રભૂ

“સાજ” રાખે ટેક એને દર્શન દેજો,

અંત મારો આવે ત્યારે સાથે તેડી લેજો….દયાળુ પ્રભૂ

રાગસારંગ

સાજમેવાડા

My Prayer- Dayalu Prabhu- Saaj Mevada. Pic

Read Full Post »