Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for સપ્ટેમ્બર, 2010

એવી માન્યતા છે કે શ્રીહરિ કૃષ્ણને રાધાજીની કૃપાથી જલ્દી પામી શકાય છે. અને આત્માએ રાધા છે અને પરમાત્મામાંથી વિખુટો પડેલો એ અંશ-આત્મા પોતાના મૂળને પામવા સદા તડપતો રહે છે. સાગરના પાણી વરાળ રુપે થઈને વરસાદ, ઝરણાં અને નદી વાટે થઈને અંતે સાગરમાં જ ભળી જાય છે ને?

આજ વાત મેં મારા તા. ૧૮ ડિસેમ્બેર ૨૦૦૯, પોષ્ટ ન. ૧૯. માં જરા જુદી રીતે કહી છે.

ચાંદો સુરજ દિશે અવિચળ તોયે,

તારાએ એક દિ ખરવાનું,

નીચે પાણીને ઊપર વાદળ એમ,

આતમ નુ રૂપ એક જાણું,મારે આગળ એકલા જવાનું.

 

રાધા

વૃષભાનુની છોરી રાધા બરસાણાને છોડી,

કૃષ્ણ કૃષ્ણ રટતી રાધા ગોકુળ આવે દોડી.

નંદને ઘેર આવી રાધા જશોદાજીને બોલી,

ક્યાં છે (ત)મારો કાનકુંવર હું થાકી ખોળી ખોળી.

કોઈ કહે છે ઘેલી રાધા કોઈ કહેછે ભોળી,

કૃષ્ણ કેવો કાળો કાળો રાધા ગોરી ગોરી.

મોરપીંછની પાઘ પે’રી કાળી કામળ ઓઢી,

વેણુવાજે ત્રિભંગ મૂરત ગોવાળોની ટોળી.

હરિ દર્શન કાજે રાધા દ્વાર દેશે ખોલી,

ભક્તોનો આતમ છે રાધા “સાજ” કહે કર જોડી.

રાગ – ભુપાલી, માલકૌંશ

સાજમેવાડા

Read Full Post »

શ્રીકૃષ્ણ ઉપર ઘણી ભક્તિમય ભજન અને ગીતો લખ્યા પછી ભાગવત વાંચવા લીધું.

મિત્રો સાથે વાત કરતાં અનાયાસેજ એના અનુસંધાનમાં મારાથી બોલી જવાયું, ” ફળ ચાખીને ઝાડ શોધવા નિકળ્યો હોય એવું લાગે છે.” અને પછી…. પ્રભુને અર્પણ.

શોધ

ફળ ચાખી એના વૃક્ષને શોધવા નિકળ્યા,

સ્થાપી એને હ્રદયમાં ગામ શોધવા નિકળ્યા.

નો’તી ખબર ત્યાં સુધી પ્રેમથી પામ્યા,

જાણ્યા પછી એના ચરણ શોધવા નિકળ્યા.

ઈચ્છા હતી ફૂલમાળની એના કંઠમાં રે’વા,

સ્પર્શ એનો સહેજ ત્યાં કૂળ શોધવા નિકળ્યા.

ગગનભેદી અંતરિક્ષમાં શું એનું ઘર હશે?

સીડી નથી તો મનપાંખથી શોધવા નિકળ્યા.

રુપને લીલાઓ એની અનંત ને અમાપ,

અપાર નીય પાર “સાજ” શોધવા નિકળ્યા.

સાજમેવાડા 

આનું ગઝલ, છંદમાં રુપાન્તર કર્યું છે. જુઓ ૧૪૩- શોધવા નિકળ્યા. થોડા ફેરફાર કરવા પડ્યા છે. માફ કરશો.

Read Full Post »

શ્રીકૃષ્ણ જન્મના પ્રસંગ ઉપરની આ રચના તમને અચૂક ગમશે. સમયના અભાવે પ્રસંગ સચવાયો નહીં. ઘણા મિત્રોની વિનંતિને માન આપી આવખતે ફિલ્મી ગીતના ઢાળ-રાગ ઉપર લખવા પ્રયત્ન કર્યો છે. જોકે મને કોઈની ધૂન કે સ્વર રચનાની કોપી કરવાનું ગમતું નથી, હું મારાં ગીતની સ્વરરચના જાતેજ બનાવું છું.

હા, કોઈવાર કોઈ ગીતની છાયા આવી જાય, પણ એ અનાયાશે જ થયું હોય છે. મારા ઘણા ભજનિક મિત્રો પોતાની જાતે જ ઘણીવાર ફિલ્મી ધુનમાં બેસાડી ગાતા હોય છે, એ નોંધનિય ખરું.

તુર્ભુજહરિજનમ્યાઆજે 

દેવકીને વસુદેવને હૈયે હરખ ના માય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

ગગન મેઘ ઘનઘોર ગાજે, વિજળી કરે ચમકાર,

મધ્ય રાતને શ્રાવણ માસે વદ આઠમ અંધકાર,

મથુરા નગરી નિંદરે ડૂબે, યમુના જળ ઊભરાય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

ધર્મકાજે પ્રભુ પ્રગટ્યા અવનિ પામે સુખ,

શંખ ચક્ર પદ્મ ગદાધારી, શ્યામ સુંદર મુખ,

શ્રીવત્સ ચિન્હ કાને કુંડળ, મણિમુકુટ શોહાય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

નમન કરીને વિનવે પ્રભુને, તજીદ્યોને આ રુપ,

બાળ અમારો જનમ્યો જાણી, મારશે મથુરાનો ભૂપ,

શિશુ હરિને ગોદે લઈને, વસુદેવ ગોકુળ જાય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

યશોદાજીને દિકરી જન્મી, યોગમાયાનો અવતાર,

નંદલાલ થઈને હરિ પોઢ્યા, જગના તારણહાર,

બાળકી બદલીને લાવે વસુદેવ, કેદ ફરી પુરાય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

નંદઘેર ઉત્સવ આજે, જશોદા સુત કહેવાય,

મૃદંગ ઢોલ નગારાં વાગે, દેવો સ્તુતિ ગાય,

“સાજ” સજીધજી વધાઈ દેવા નંદજીને ઘેર જાય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

‘સાજ’ મેવાડા 

( રાગ – મેરા જીવન કોરા કાગજ )

Read Full Post »