Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2013

Maut -Gazal Saaj Mevada

 

મોત

નિત્ય છે, દિવ્ય છે, જાણતા પણ નથી,
મોતની, વાતને છેડતા પણ નથી.
કોણ છો? કેમ આવ્યા? જશો ક્યાં તમે?
અંત વેળા તમે બોલતા પણ નથી.
કોણ છોડી જશે દેહને એક દિ,
દૂત યમના કદી પૂછતા પણ નથી.
સ્વર્ગ કે નર્કના વ્હેમમાં ના રહો,
જે અહીં ભોગવો, નોંધતા પણ નથી.
બ્ર્હમને પામવા જાણવો ખૂદને,
‘સાજ’ તો અન્યને ખોળતા પણ નથી.

-‘સાજ’ મેવાડા.

છંદઃ- ગાલગાx૪ 

હું જાણું છું કે આ રચના મારા મિત્રોને ના પણ ગમે, છતાં જે નિત્ય, સત્ય અને અનિવાર્ય છે એ મોત વિષે લખવા હિંમત કરી છે. મને જે સમજાયું તે ટૂંકમાં આ ગઝલમાં કહેવા પ્રેરાયો છું. એ જાણવું અને સમજવું કે આત્મા અમર છે અને એ પ્રભૂનો જ અંશ છે, પછી મોતનો ડર રહેતો નથી. આ વિષે મેં પહેલાં પણ ગીત કાવ્ય લખ્યાં જ છે, જે પણ આપસૌ આ બ્લોગમાં વાંચી શકશો.

(૧) https://venunad.wordpress.com/2009/11/17/ (૨) https://venunad.wordpress.com/2009/11/20/

Read Full Post »

પરમ મિત્ર ‘શરદ’ને શ્રધાંજલી

‘શરદ’ તમારા આત્મતત્વને, શત શત વંદન,

પાર્થિવ દેહના છોડી ગયા તમે, સઘળા બંધન.

વારે વારે યાદ કરીને, અશ્રુંના જળ ખૂટ્યા,

આપ્તજનો વિલાપ કરે, પ્રભુ કરો નિયંત્રણ,

અખિલ બ્રહ્માંડમાં ખોટ પડી હશે, નિશ્ચે તમારી,

શાને દુઃખ આ પ્રભુએ દીધું, નથી અમને સમજણ.

જય જય કૃષ્ણ રાધેકૃષ્ણ, જપે ‘સાજ’ નિરંતર,

દૈવી જીવએ દૈવત પામ્યો, શાને કરીએ રુદન.

‘સાજ’ મેવાડા.

Sharad Mehta with Dr P A Mevada at Satsang

મિત્ર સ્વ. શરદ મેહતાને શ્રધાંજલી- dated 17-11-2013 Dev Diwali..

તા. ૧૪/૧૧/૨૦૧૩, મારા અંગત, આત્મિય મિત્ર શરદભાઈ મેહતાના પાર્થિવ દેહને છોડીને તેમનો અમૃત આત્મા અનંતમાં વિલિન થઈ ગયો. આ અત્યંત દુઃખદ સમાચાર મળતાં અઘાત સાથે પ્રભુની કે વિધીની આવી ના સમજાય એવી નિરંતર ચાલતી પ્રક્રિયા પર વિચારો આવ્યા કર્યા. હું જાતે ડૉકટર છું એટલે ઘણા વખત પહેલાં જ આનો અણસાર આવી જ ગયો હતો, છતાં પણ એક આપ્તજન ગયું એનું મને ઘણું દુઃખ થયું. આ રચના એ વેદનામાંથી ઉધ્ભવેલા શબ્દોની છે.

        વિજયાદશમી એ જન્મેલા, સ્વ. શરદ મેહતા, દેવદિવાળી સમીપે દેવલોક પામ્યા.

તેમના બધા સગા સબંધીઓ અને મિત્રોની અને સીવીલ હોસ્પીટલ, અમદાવાદના ડૉકટરોની સતત કાળજી અને સારવાર ખરેખર અભિનંદનને પાત્ર હતી. ખાસ કરીને ભાઈ પ્રકાશ મેહતાની અથાગ મહેનત અને આયોજન સ્વ. શરદભાઈ સાથે ની યાદોમાં ચિર સ્મરણિય રહેશે!

દર્દના ઝેરનું કોઈ મારણ નથી,

મોતની એ ઘડીનું નિવારણ નથી.

-‘સાજ’ મેવાડા

Read Full Post »

 96 – કંઇક ખૂટે

 

અસ્તિત્વની દૌડ ઝાઝી, કંઇક ખૂટે, 

પૂંજ પાછળ રોશનીની, કંઇક ખૂટે.

જો સજાવટ ઓરડાની, લાખ આંકે,

ફૂલદાની સાવ ખાલી, કંઇક ખૂટે.

ચાંદ રાતે રોજ આવે બારસાખે,

ખૂબ ખીલે રાતરાણી, કંઇક ખૂટે. 

જીંદગીને પોંખવાની સાંજ આવી,

મંજુસામાં સોનું ચાંદી, કંઇક ખૂટે.

તાર તૂટે તંબુરાનો ‘સાજ’ રૂઠે,

ભાવભીની રાગિણીમાં, કંઇક ખૂટે.

-‘સાજ’ મેવાડા

છંદ – ગાલગાગા ગાલગાગા ગાલગા

NOTE:-

ગઈ કાલે સાંજના ચાલવા નિકળ્યો ત્યારે શહેરની રોશની અને સજાવટ જોઈ આનંદ થયો. એ સાથે આગળ જતાં ફૂટપાથ ઉપર પ્લાસ્ટિક ને ફાટેલાં કપડાંથી ઢંકાઈને પડેલું કુટુંબ પણ જોયું. અને આ અર્વાચિન ભારત, આમ જનતા અને અબજો પતિઓની સરખામણી કરતાં પહેલી પંક્તિ લખાઈ, પછી બીજા વિચારો તરફ વળી ગયો, અને આ ગઝલ રચાઈ.

વળી, જેમ જીંદગીમાં કોઈને કોઈ વાર તો દરેકને કશું ખૂટવાનો અનુંભવ થતોજ હોય છે, ખાસતો એવા સમયે જ્યારે વૃધત્વ સામે હોય, કમાણી- બચત લોકરમાં સોના ચાંદી રૂપે સચવાયેલી હોય, તો પણ વ્હાલા બાળકો પરણીને દૂર રહેતા હોય, આ ઊંમરે પણ પોતાના પરલોક સિધાવેલા મા-બાપ, દૂર રહેતા મિત્રો અને અન્ય આપ્તજનો યાદ આવતાં હોય ત્યારે ઘણા વિચારો આવે. સંપૂર્ણ જીવન જીવાય ગયું હોય અને કશી પણ ખેવનાઓ બાકી ના રહી હોય ત્યારે ઊંડે ઊંડે હ્રદયમાં તો પણ કશુંક ખૂટે એવી લાગણી થઈ આવે તો? ત્રણ જુદી રીતે, આ રીતે અનુંભવાય,

જીંદગીને પોંખવાની સાંજ આવી,

જીંદગીને પોંખવાની સાંજ આવી!

જીંદગીને પોંખવાની સાંજ આવી?

તો મિત્રો, ગમે તો જરુરથી અભિપ્રાય લખશો. લખશોને?

તા.ક. – મારા સૌ બ્લોગ અને અન્ય મુલાકાત લેનારા મિત્રોને દિવાળીની શુભકામનાઓ અને નવા વર્ષમાં પ્રભુ આપ સૌને સુખ, સંપતિ અને સ્વાસ્થ્ય બક્ષે એજ પ્રાર્થના!

જય શ્રી રાધે-કૃષ્ણ!

Read Full Post »