મિત્રો,
આજે ફરીથી એક નવી ગઝલ રજુ કરું છું.
99 – તાલ સરખો પડે
હોવજો હેમતો, તાપ ખમવો પડે,
જેમ સોની કરે, ઘાટ ધરવો પડે.
ધર્મરાજા નથી હારતા દૃતમાં,
લેખછે દેવના, દાવ અવળો પડે.
ના મળે શિવત્વ, રાખ ચોળ્યા થકી,
એ, હળાહળ તણો, ઘૂંટ ભરવો પડે.
ના મળે ભીખમાં, ના મળે બળ કરે,
પ્રેમને પામવા, પ્રેમ કરવો પડે.
નામ લઉં તારું ને, કોઈ ભડકે બળે,
ઘાસની ગંજીમાં, એક તણખો પડે.
શબ્દના ભાવમાં, ઢાળ રચવો પડે,
‘સાજ’ને ઓળખો, તાલ સરખો પડે.
-‘સાજ’ મેવાડા