મિત્રો,
લાગે છે કે શ્રી દ્વારકાધીશ મને બોલવા પ્રેરી રહ્યા છે. એટલે કે આ કાવ્યમાં છે એવું બોલાવે/લખાવે, કહેવડાવે છે, અને દ્વારકા આવવા મને બોલાવે પણ છે. નહીં તો આ સાંગોપાંગ રચના મહાભારત અને શ્રીમદ ભાગવત માંથી ક્યાંથી આવે?
139 …..ત્યારે બોલજે (ગઝલ)
આર્તનાદો કેદમાં પડઘાય ત્યારે બોલજે,
કામ જ્યારે કંશનાં ચર્ચાય ત્યારે બોલજે.
એજ મ્હેતા, એજ મીરાં, કૃષ્ણને પામી શકે,
હાથ બાળી, ઝેરને પીવાય, ત્યારે બોલજે.
જન્મભરનો સાથ ના દેશે તને એ કૃષ્ણ, તો,
ઝંખના રાધાતણી સહેવાય, ત્યારે બોલજે.
કુંતી સાથે કર્ણની સમજી શકે જો વેદના,
વ્યાસની એવી કથા જીવાય, ત્યારે બોલજે.
બાણ શૈયા હોય જ્યારે અંત તારો સાચવી,
જ્ઞાન તારું કોઈ પૂછીજાય, ત્યારે બોલજે.
કેમ આવે મોત એને પારધીના બાણથી?
કૃષ્ણ જેવો કૃષ્ણ પણ વિંધાય ત્યારે બોલજે.
ના મળે જો દિવ્ય દ્રષ્ટી ચૂપ રહેજે ‘સાજ’ તું,
પાર્થ જેવો મોહ છૂટી જાય, ત્યારે બોલજે.
‘સાજ’ મેવાડા