176-ચાલવાનું રાખજે–ગઝલ
દૂર છે મંઝિલ ઘણી, પણ ચાલવાનું રાખજે,
ચૂભશે પગમાં કણી, પણ ચાલવાનું રાખજે.
હો પ્રલોભન દર વળાંકે રાહમાં તારી ભલે,
જોઇલે એના ભણી, પણ ચાલવાનું રાખજે.
એક છે મંઝિલ બધાની એમ એ તારીય છે,
દુઃખને અંતિમ ગણી, પણ ચાલવાનું રાખજે.
કેટલા વાડા મળે ને કેટલી છે આડશો,
તોડ, જે ભીંતો ચણી, પણ ચાલવાનું રાખજે.
‘સાજ’ તારા સૂરમાં છેડ્યા કરે એવી ગઝલ,
લે દરદ સઘળાં હણી, પણ ચાલવાનું રાખજે.
-‘સાજ’ મેવાડા