Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન, 2019

234-ગીત/નઝમ – – ભમરા રમતા મેલ્યા તેં
કાજળ કાળી આંખલડીમાં ભમરા રમતા મેલ્યા તેં,
કેમ કરીને ભાગી છૂટવું કેવા નાટક ખેલ્યા તેં.

1-સખી સામટી તાળી પાડે મારી પૂંઠે હસતાં જો,
કાળી આંખો કાળી કામળી કાળી તારી હરકત જો.
ઊભી બજારે દોડી નાઠી કાંટા કંકર ઝેલ્યા મેં,
કેમ કરીને ભાગી છૂટવું કેવા નાટક ખેલ્યા તેં—-
કાજળ કાળી આંખલડીમાં ભમરા રમતા મેલ્યા તેં.

2-રાત અંધારી ઘેરી આંખે સંતા કુકડી રમીયે જી,
વાદે તારી વાંસલડીના હૈડે વાસો કરીયે જી.
જમના કાળી તારે કાંઠે ચરણે આંસું રેલ્યાં મેં,
કેમ કરીને ભાગી છૂટવું કેવા નાટક ખેલ્યા તેં,
કાજળ કાળી આંખલડીમાં ભમરા રમતા મેલ્યા તેં.

3-કોરી આંખો કોરું જીવતર કોરી ચુંદર રાખો મા,
પ્રેમ પછેડી તારી ઓઢી કામણગારી રાતોમાં.
માયા મમતા છોડી જગના જીવન ફેરા ઠેલ્યા મેં,
કેમ કરીને ભાગી છૂટવું કેવા નાટક ખેલ્યા તેં.
કાજળકાળી આંખલડીમાં ભમરા રમતા મેલ્યા તેં.

– ‘સાજ’ મેવાડા              26 June 2019

Read Full Post »

233-Jo Jo-Gazal-જો જો-ગઝલ

મિત્રો,

આ ગઝલના રદીફ સાથે લીધેલા કાફિયા નિભાવવા અઘરા હતા,

કારણ કે મત્લા અનાયાસ ઉતર્યો પણ પછી વ્યાકરણની ભૂલ ના થાય એ ધ્યાનમાં લેવું પડે.

આખરે સફળ થયાનો આનંદ છે.

*‘વાયુ’ છે, એ હવા નથી જો જો,

વ્હાણને ખેડવા નથી જો જો.

ન્યાયને ત્રાજવે વજન મૂકી,

હાથમાં કંપવા  નથી જો જો.

શત્રુ સામે લડી શકો તો પણ,

શેર માથે સવા નથી જો જો.

હઠ કરી પીવડાવશે તમને,

દર્દની એ દવા નથી જો જો.

હોય સાથે બધી મુસીબતમાં,

મિત્ર આજે નવા નથી જો જો.

પી ગયા ઘાટ ઘાટના પાણી,

ઝાંઝવાં પી જવા નથી જો જો.

‘સાજ’ તો ભૈરવી અલગ ગાશે,

રાગ એ મારવા નથી જો જો.

-‘સાજ’ મેવાડા

* ગુજરાતમાં જૂન 2019 માં આવેલું ‘વાયુ’ નામે વાવાઝોડું.

Read Full Post »

232-Hovi Ghate-Gazal-હોવી ઘટે

જે કહ્યું તે પાળવાની ચીવટે હોવી ઘટે,

કૃષ્ણ તારા આવવાની આહટે હોવી ઘટે.

જો વરસતા હોય બારે મેઘ તારા દેશમાં,

આંગણે મારા ય થોડી વાછટે હોવી ઘટે.

આ વિરહની વેદના સમજી શકેના તો કહું,

ધૈર્યમાં તારી પરીક્ષા સંકટે હોવી ઘટે.

છે ખબર મળશે મને  તારા મિલનની એ જગા,

આખરી જો હોય તો ગંગા તટે હોવી ઘટે.

‘સાજ’ તારા મંદિરે દર્શન વિના ગાતો નથી,

મૂર્તિ ખંડિત હોય તો પણ છેવટે હોવી ઘટે.

 ‘સાજ’ મેવાડા

 

 

 

Read Full Post »