234-ગીત/નઝમ – – ભમરા રમતા મેલ્યા તેં
કાજળ કાળી આંખલડીમાં ભમરા રમતા મેલ્યા તેં,
કેમ કરીને ભાગી છૂટવું કેવા નાટક ખેલ્યા તેં.
1-સખી સામટી તાળી પાડે મારી પૂંઠે હસતાં જો,
કાળી આંખો કાળી કામળી કાળી તારી હરકત જો.
ઊભી બજારે દોડી નાઠી કાંટા કંકર ઝેલ્યા મેં,
કેમ કરીને ભાગી છૂટવું કેવા નાટક ખેલ્યા તેં—-
કાજળ કાળી આંખલડીમાં ભમરા રમતા મેલ્યા તેં.
2-રાત અંધારી ઘેરી આંખે સંતા કુકડી રમીયે જી,
વાદે તારી વાંસલડીના હૈડે વાસો કરીયે જી.
જમના કાળી તારે કાંઠે ચરણે આંસું રેલ્યાં મેં,
કેમ કરીને ભાગી છૂટવું કેવા નાટક ખેલ્યા તેં,
કાજળ કાળી આંખલડીમાં ભમરા રમતા મેલ્યા તેં.
3-કોરી આંખો કોરું જીવતર કોરી ચુંદર રાખો મા,
પ્રેમ પછેડી તારી ઓઢી કામણગારી રાતોમાં.
માયા મમતા છોડી જગના જીવન ફેરા ઠેલ્યા મેં,
કેમ કરીને ભાગી છૂટવું કેવા નાટક ખેલ્યા તેં.
કાજળકાળી આંખલડીમાં ભમરા રમતા મેલ્યા તેં.
– ‘સાજ’ મેવાડા 26 June 2019
પ્રતિસાદ આપો