Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2019

239-Vishwas Tode Che

       વિશ્વાસ તોડે છે

વિના કારણ ઘણા વિશ્વાસ તોડે છે,

સજા આપી, હવે એ હાથ જોડે છે.

ઘણો લાચાર જોયો બાગનો માળી,

જમાનો ફૂલ સાથે ડાળ તોડે છે.

મળે છે લોક નોખી રીતથી આજે,

મિલાવી હાથ પાછળ મુખ મરોડે છે.

હશે વિખવાદ જેને ધર્મને નામે,

કદી ભીંતો કદી માથુંય ફોડે છે.

હતાં આઝાદ ને આઝાદ રહેવાનાં,

મળી પાંખો તો પંખી નીડ છોડે છે.

બચાવે તોય વીંછી ડંખ મારે પણ,

ખબર એને નથી, કોને વખોડે છે.

મને આ ‘સાજ’ રાઘવ વંશનો લાગે,

હરણ પાછળ હજીયે કેમ દોડે છે.

  -‘સાજ’ મેવાડા

Read Full Post »

            238-Sachavi Rakhi-Gazal

               સાચવી રાખી-ગઝલ

તમે આકાશની મોટી  અટારી સાચવી રાખી,

અમે ઘરની ઉઘાડી એક બારી સાચવી રાખી.

હતું તોફાન મધદરિયે ખલાસી પણ ડરી બેઠો,

અમારી નાવ વિશ્વાસે ઉતારી સાચવી રાખી.

તમે ભૂલી ગયા અમને નથી કૈં દુ:ખ એનું પણ,

અમે તો ઉમ્રભર યાદો તમારી સાચવી રાખી.

તમારા પ્રેમની વાતો અમોને ખોટની લાગી,

અમે ખાતાવહીમાં એ ઉધારી સાચવી રાખી.

ઘણા છોડી ગયા છે દેશ સંબંધો નથી ભૂલ્યા,

વતનની લાગણીને એકધારી સાચવી રાખી.

હતો સંદેહ કૈં એવો હતું ત્યાં જાનનું જોખમ,

નગરના ઘર સુધી એણે કટારી સાચવી રાખી.

જિવનનો જંગ હંમેશાં તમે જીતી ગયા છો ‘સાજ’

બધાયે મોરચે લડતાં ખુમારી સાચવી રાખી.

 -‘સાજ’ મેવાડા

Read Full Post »