Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

206-એક ઈશ્ર્વર Ek Ishwar

               206-એક ઈશ્ર્વર Ek Ishwar

એજ મારો એજ તારો એક ઈશ્ર્વર થઇ જશે,

ધર્મ સાથે જોડશો ના, પ્રેમ સરભર થઇ જશે.

લાગણીના શબ્દ જુદા ભાવ એકજ હોય પણ,

બે જણા દિલથી મળે તો ખાસ અવસર થઇ જશે.

એજ બીબાં ઢાળ માનવ જન્મશે કાળે પછી,

કોઇ તો તલવાર બનશે કોઇ બખ્તર થઇ જશે.

દેશ, દુનિયા, અંતરિક્ષે રોજ ભય તોળાય છે,

જાગ માનવ જાગ, તારો નાશ નહિંતર થઇ જશે.

પંચ તત્વોથી જ સઘળું વિશ્ર્વ આ સર્જાય છે,

‘સાજ’ સમજી લે સમય છે, તુંય અક્ષર થઇ જશે.

-‘સાજ’ મેવાડા
  venunad.wordpress.com

206-Ek Ishwar-Gazal-Saaj Mevada

 

Advertisements

205-Aadari ne-Gazal-આદરીને-ગઝલ

205-Aadari ne-Gazal-આદરીને-ગઝલ

અસલ મયકદાની રસમ આચરીને,

મહોબત કરી છે અમે મયપરીને.

ભલે હોય અંતિમ, મુલાકાત કરશું,

ફના થઇ જવાની સફર આદરીને.

નથી જીવવાના અવરના ઈશારે,

અમે ચાલવાના ચીલો ચાતરીનેં.

તમે આપવાના શૂળીની સજા,તો,

જરા બેસવાદો કફન પાથરીને.

જખમતો કર્યા છે મરણ તોલ આપે,

ઘણા ઘા હ્રદય પર, મને આંતરીને.

મને છેડશો ના નિરાંતે સુવા દો,

હવે શોધશો શું કબર ખોતરીને.

નથી ‘સાજ’ કંઠે તરન્નુમ તરાના,

ભરાયો છે ડૂમો ગળે બંસરીને.

-‘સાજ’ મેવાડા

 

 

204-Khalbhali Gayo-(Gazal)

204Khalbhali Gayo-(Gazal)

      ખળભળી ગયો-(ગઝલ)

સાગર હતો એ, ચાંદ જોતાં ખળભળી ગયો,

પથ્થર હ્રદયનો આદમી પણ ઓગળી ગયો.

વ્હલી સવારે ઓસમાં સૂરજ ઢળી ગયો,

આસવ બની એ રકતમાં મારા ભળી ગયો.

ખૂલી ગઈ જો આંખતો પાછો વળી ગયો,                                               

સારું થયું કે ભોમિયો સાચો મળી ગયો.

એથીજ તો મારી હજી શ્રધ્ધા ટકી રહી,

મારી બધીયે પાર્થના એ સાંભળી ગયો.

અફવા હતી કે પ્રેમ, હું પૂછીય લેત પણ-

આવી ગયેલા હોઠ પર, શબ્દો ગળી ગયો.

ગજગાહ જેવી જીંદગીમાં કોણ સાથ દે,

આવ્યો નહીં એ કૃષ્ણ તો, હું નીકળી ગયો.

જૂનો થયો છે ‘સાજ’ પણ, અકબંધ સૂર છે,

ફૂંકયો જરા તેં પ્રાણ, એ લયમાં ઢળી ગયો.

   -‘સાજ’ મેવાડા

    Veninad.wordpress.com 

 

 

203-Bindhast-Gazal-બિનધાસ્ત (ગઝલ)

203-Bindhast-Gazal-બિનધાસ્ત (ગઝલ)

ઈચ્છા બધીય છોડી બિનધાસ્ત થઈ ગયો છું,

બંધન જગતના છોડી બિનધાસ્ત થઈ ગયો છું.

ગણકારતો નથી હું આઘાત જીવતરના,

હાલત ભલે કફોડી, બિનધાસ્ત થઈ ગયો છું.

મઝધાર માંય ઊંડે તરતાં ફરી શકું છું,

ડૂબે ભલેને હોડી,  બિનધાસ્ત થઈ ગયો છું.

આપે નહીં વધારે આપે નહીં એ ઓછું,

માફક મળી પિછોડી, બિનધાસ્ત થઈ ગયો છું.

ખર્ચી બધીય મૂડી વહોરી હતી ફકીરી,

બાકી બચી છે કોડી, બિનધાસ્ત થઈ ગયો છું.

જા, થાય તે કરીલે, ઈશ્ર્વર તને કહું છું,

હસ્તી રહી છે થોડી, બિનધાસ્ત થઈ ગયો છું.

આ ‘સાજ’તો રણકશે, ડરતો નથી કશાથી,

કરતાલ ઝાંઝ જોડી, બિનધાસ્ત થઈ ગયો છું.

     -‘સાજ‘ મેવાડા   2 Jan 2018

     Venunad.wordpress.com

 203-Bindhast-Gazal-Saaj Mevada

 

 

 

 

 

 

 

 

202-Aalapshe-Gazal-Saaj-Mevada-

202-Aalapshe-Gazal-Saaj-Mevada-

            આલાપશે-ગઝલ

જીદ તારી જીવતરને બાળશે,

યાદ મારી રાતભર તડપાવશે,

સાંભળે છે આંખ આડા કાન દઇ,

વાત વાતે નામ મારું આવશે.

જો નિયમથી ના રમે તો દાવમાં,

આખરે તું જીતમાં પણ હારશે.

છોડ ઊખેડી ફરી રોપો નહીં,

એ સુકાશે કોણ આંસું સારશે?

મ્હેલમાં શણગાર તારા લાખના,

ભાલપરનો ડાઘ તો શરમાવશે.

ઘર કરે છે રેત ભીની છીપનું,

કાળ દરિયો સહેજમાં એ તાણશે.

‘સાજ’ જંતરમાં દરદને છેડ મા,

કોઇ શેણી સાંભળી આલાપશે.

-‘સાજ’ મેવાડા

 

 

201-Muktaks on MakarsaNkrantI-મકરસંક્રાંતિ-Saaj Mevada

મિત્રો,

મકરસંક્રાંતિ ના અનુસંધાનમાં મારા બે મુક્તકો.

મિત્રો,

અત્યારે લગ્નોની મૌસમ પુરબહારમાં ખીલી છે ત્યારે આ “નવોઢા” સોનેટ આપ સૌને ગમશે.

        નવોઢા-સોનેટ-(મંદાક્રાંતા)

એ બેઠી’તી સુઅવસરની વાટ જોતી ઝરૂખે,

વારે વારે ટિખળ કરતી જાનડીઓ સતાવે,

સાથે આવી અણવર સખી સાચવીને હસાવે,

આંખો એની સજળ કજરી, રાખતી સ્મિત મૂખે.

 

ને વેણીથી સઘન લટના કેશ કાળા ગૂંથેલા,

હાથે મેંદી કનક કડલાં, બંગડીઓ સજાવી,

વીંટી વેઢે નિલમ જડિને, ખાસ સોને ઘડાવી,

ગાલે લાલી કજર ટપકું, લાલ હોઠો રસીલા.

 

કંકું ભેળા અક્ષત સહિતે, ચાંદલો ભાલ સોહે,

મોતી સેરો સઘટ નમણી નાસિકા નંગ વાળી,

કંદોરાથી કટિ રણકતી ઝાંઝરી ઘૂઘરાળી,

સંકોરીને ધવલ વસનો સુંદરી ‘સાજ’ મોહે.

 

ચારે કોરે પરિમલ વહે, સેજ ફૂલો ભરેલી,

આવી પો’ચી પિયુ મિલનની રાત નોખી નવેલી.

‘સાજ’ મેવાડા