Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘અનંત’

195 – Angara Jevo-Gazal-અંગારા જેવો

કો’ ભઠ્ઠીના ભારા જેવો,

હું તો છું  અંગારા જેવો.

તારી આંખોનો પલકારો,

વિજળીના ઝબકારા જેવો.

દીપ હશે તો ઊંચે ચઢશે,

જીવન પથ ગુબ્બારા જેવો.

મેઘ ગરજતો નીલ આકાશે,

અનંતના  ઈશારા  જેવો.

ફૂલ ઉપર એ ઝાકળ લાગે,

પ્રેમ નદીની ધારા જેવો.

ના સમજો તો કે’વું પડશે,

કોઇ નથી અહીં મારા જેવો.

રાગ રચ્યો છે ‘સાજ’ તમે એ,

નરસિંહ ના કેદારા જેવો.

-‘સાજ’ મેવાડા

  

 

 

 

 

 

Read Full Post »

પરમ મિત્ર ‘શરદ’ને શ્રધાંજલી

‘શરદ’ તમારા આત્મતત્વને, શત શત વંદન,

પાર્થિવ દેહના છોડી ગયા તમે, સઘળા બંધન.

વારે વારે યાદ કરીને, અશ્રુંના જળ ખૂટ્યા,

આપ્તજનો વિલાપ કરે, પ્રભુ કરો નિયંત્રણ,

અખિલ બ્રહ્માંડમાં ખોટ પડી હશે, નિશ્ચે તમારી,

શાને દુઃખ આ પ્રભુએ દીધું, નથી અમને સમજણ.

જય જય કૃષ્ણ રાધેકૃષ્ણ, જપે ‘સાજ’ નિરંતર,

દૈવી જીવએ દૈવત પામ્યો, શાને કરીએ રુદન.

‘સાજ’ મેવાડા.

Sharad Mehta with Dr P A Mevada at Satsang

મિત્ર સ્વ. શરદ મેહતાને શ્રધાંજલી- dated 17-11-2013 Dev Diwali..

તા. ૧૪/૧૧/૨૦૧૩, મારા અંગત, આત્મિય મિત્ર શરદભાઈ મેહતાના પાર્થિવ દેહને છોડીને તેમનો અમૃત આત્મા અનંતમાં વિલિન થઈ ગયો. આ અત્યંત દુઃખદ સમાચાર મળતાં અઘાત સાથે પ્રભુની કે વિધીની આવી ના સમજાય એવી નિરંતર ચાલતી પ્રક્રિયા પર વિચારો આવ્યા કર્યા. હું જાતે ડૉકટર છું એટલે ઘણા વખત પહેલાં જ આનો અણસાર આવી જ ગયો હતો, છતાં પણ એક આપ્તજન ગયું એનું મને ઘણું દુઃખ થયું. આ રચના એ વેદનામાંથી ઉધ્ભવેલા શબ્દોની છે.

        વિજયાદશમી એ જન્મેલા, સ્વ. શરદ મેહતા, દેવદિવાળી સમીપે દેવલોક પામ્યા.

તેમના બધા સગા સબંધીઓ અને મિત્રોની અને સીવીલ હોસ્પીટલ, અમદાવાદના ડૉકટરોની સતત કાળજી અને સારવાર ખરેખર અભિનંદનને પાત્ર હતી. ખાસ કરીને ભાઈ પ્રકાશ મેહતાની અથાગ મહેનત અને આયોજન સ્વ. શરદભાઈ સાથે ની યાદોમાં ચિર સ્મરણિય રહેશે!

દર્દના ઝેરનું કોઈ મારણ નથી,

મોતની એ ઘડીનું નિવારણ નથી.

-‘સાજ’ મેવાડા

Read Full Post »

Landscape Water colour by Dr. P. A. Mevada

“ચિત્રલેખા” જૂન ૨૭, ૨૦૧૧ ના અંકમાં ‘ઝલક” કોલમ અંતર્ગત શ્રી સુરેશ દલાલનો લેખ, “ ઝૂરવું ગમે એવી મૌસમ” વાંચતાં અનુભવેલા ભાવ પ્રસ્તુત રચનામાં નિરૂપાયા છે. 

‘ઝુરવું’ એ ફક્ત ક્રિયાપદ નથી, કે ઝૂરાપો એ શબ્દજ નથી. તે એક સંપૂર્ણ વાક્ય છે, એક સંપૂર્ણ કવિતા છે, એ સંપૂર્ણ રીતે ભાવને ચિત્ર રૂપે આપણા માનસપટ ઉપર ઉપસાવે છે. 

‘હરિ-ઝૂરાપો’ એ હરિને મળવાની તિવ્ર ઉત્કંઠા છે. આને મેં ઝરણું થઈને વહેતી નદીનું રૂપ કલ્પ્યું છે. જેમ નદી કંઈ કેટલાય અવરોધોને (સુખ-દુઃખને), પાર કરતી સાગરમાં ભળી જાય છે એમ હરિ મારા ઝૂરાપાને, મને અનંત સાગર રૂપે, પોતાનામાં એક અંગ (એકાંગ) કરી સમાવી લેશે. પછી મારુ અસ્તિત્વ નહીં રહે. 

હરિ-ઝૂરાપો

હરિ-ઝૂરાપો ઝરણું થઈને વહેતો,

ઝરણે ઝરણે જમુના થઈને,

વ્રજભૂમિમાં ફરતો….હરિ-ઝૂરાપો.

 

કાદવ આવે કંકર આવે,

ખિણ આવે કે પર્વત આવે,

અનંત ભણી ખળખળતો…. હરિ-ઝૂરાપો.

 

વિહંગ સૂરે રાગ છેડીને,

તરુવર ખડને કાંઠે ધરીને,

વનમાળીની વાતો…. હરિ-ઝૂરાપો.

 

મીન મગરને કછુઆ ભેળો,

નાવ ભરીને માનવ મેળો,

ધરણીધરને ગાતો…. હરિ-ઝૂરાપો.

 

હરિ-સાગર છે સ્વામી મારો,

ઊછળી કરશે સ્વાગત એવો,

‘સાજ’ એકાંગે મળતો…. હરિ-ઝૂરાપો.

‘સાજ’ મેવાડા

Read Full Post »

શ્રીકૃષ્ણ ઉપર ઘણી ભક્તિમય ભજન અને ગીતો લખ્યા પછી ભાગવત વાંચવા લીધું.

મિત્રો સાથે વાત કરતાં અનાયાસેજ એના અનુસંધાનમાં મારાથી બોલી જવાયું, ” ફળ ચાખીને ઝાડ શોધવા નિકળ્યો હોય એવું લાગે છે.” અને પછી…. પ્રભુને અર્પણ.

શોધ

ફળ ચાખી એના વૃક્ષને શોધવા નિકળ્યા,

સ્થાપી એને હ્રદયમાં ગામ શોધવા નિકળ્યા.

નો’તી ખબર ત્યાં સુધી પ્રેમથી પામ્યા,

જાણ્યા પછી એના ચરણ શોધવા નિકળ્યા.

ઈચ્છા હતી ફૂલમાળની એના કંઠમાં રે’વા,

સ્પર્શ એનો સહેજ ત્યાં કૂળ શોધવા નિકળ્યા.

ગગનભેદી અંતરિક્ષમાં શું એનું ઘર હશે?

સીડી નથી તો મનપાંખથી શોધવા નિકળ્યા.

રુપને લીલાઓ એની અનંત ને અમાપ,

અપાર નીય પાર “સાજ” શોધવા નિકળ્યા.

સાજમેવાડા 

આનું ગઝલ, છંદમાં રુપાન્તર કર્યું છે. જુઓ ૧૪૩- શોધવા નિકળ્યા. થોડા ફેરફાર કરવા પડ્યા છે. માફ કરશો.

Read Full Post »