Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘ભાન’

 

207-Sambhaljo-Gazal- સંભાળજા-ગઝલ

સમજી ગયા છો સાનમાં, સંભાળજો,

બોલ્યા હતા બેભાનમાં, સંભાળજો.

 સંકલ્પ કરશો જીતવાનો તો પણ તમે,

હારી જશો અભિમાનમાં, સંભાળજો.

 સાચું કહો, ઈશ્ર્વર કદી જોયો તમે!

દાનવ મળે ઈન્સાનમાં, સંભાળજો.

માગી શકો તો આપનારો આપશે,

શું માંગશો વરદાનમાં?, સંભાળજો.

ના હોવ જો દશરથ તમે, ના રામ પણ,

શોધો શ્રવણ સંતાનમાં, સંભાળજો.

પહેરાવશે કાંટા ભરેલો તાજ, પણ,

ફૂલો ધરે શ્મસાનમાં, સંભાળજો.

છૂપાવશે આ ‘સાજ’ એના દદૅને.

મૂકી ગઝલના ગાનમાં, સંભાળજો.

       ‘સાજ’ મેવાડા

            11 April 2018

 

 

Read Full Post »

યમુના ના તીરે રાધા અને ગોપીઓ ભેળી થઈને તેમના વ્હાલા શ્યામ-કનૈયાને રમવા(રાસ) બોલાવે છે. સૌ વસંતના વાયરામાં ફૂલોની સુગંધ સાથે કોયલ અને ઢેલડીના ટહૂંકા રૂપે સંદેશો મોકલે છે, કે શ્યામ હવે વ્હેલેરા આવો અમે તમારા મિલનનની આશાએ વ્યાકૂળ થયાં છીએ, ના આવો તો તમને અમારા સમ છે.

શ્યામ આવોને રમવા

રાધા ને ગોપીઓ, ટોળે મળી છે શ્યામ, આવોને રમવા,

ખીલી છે ચાંદની ને, વસંતી રાત શ્યામ, આવોને રમવા.

 

કોયલ ને મોરનીના, ટહૂકાના ગુંજથી,

ફોરમ ફૂલડાની લઈ, વાયરાના પુંજથી,

મેલ્યો સંદેશો તને, નંદજીના લાલ, શ્યામ, આવોને રમવા.

 

વેણુનો નાદ ધીરે, ધીરે છેડીને,

સંતાયો કા’ન ક્યાંક નજરૂ ચોરીને,

યમુનાને તીર સખી, જુએ છે વાટ, શ્યામ, આવોને રમવા.

 

સોગન દઈને ‘સાજ’ , વિનવે હરિને,

વે’લેરા આવો નાથ, વેણુ ધરીને,

મિલનની ઝંખનામાં, ખોયું છે ભાન, શ્યામ, આવોને રમવા.

ગીત – ‘સાજ’ મેવાડા,

રાગ – સારંગ

Read Full Post »