Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મિલન’

  182-જીવન-ગઝલ

જીંદગી છે શક્યતાની પાર પણ,

એ હકીકત છે સમજની બા’ર પણ.

એ જ સાચો જીંદગીનો સાર પણ,

દુઃખમાંયે સુખ છે બે ચાર પણ.

ઝૂઝવામાં વીતશે આ જીંદગી,

છે જીવનમાં ઈશનો આધાર પણ.

જીવતરતો એક એવો ખેલ છે,

હોય એમાં જીત, સાથે હાર પણ.

અંતકાળે થઇ જશે એનું મિલન,

ધૂળ ભેગી રાખ, લાગે વાર પણ.

‘સાજ’ સાજીંદા વગર ગાતો નથી,

રાગિણી છે કંઠમાં દમદાર પણ.

-‘સાજ’ મેવાડા

  Venunad.wordpress.com

Read Full Post »

161-સ્વીકારવાનું હોય છેગઝલ

ભીખ જેવું માગવાનું હોય છે,

જે મળે સ્વીકારવાનું હોય છે.

એષણાઓ ત્યજવી સહેલી નથી,

એ જ કારણ જીવવાનું હોય છે.

તું નહીં તો કોણ સાથે આવશે?,

એકલા મારે જવાનું હોય છે.

થાય છે મારી દશા સહદેવ સમ,

ક્યાં કશુંયે ભાખવાનું હોય છે.

જોઈ લીધી શક્યતાઓ મેં બધી,

જે બને છે એ થવાનું હોય છે.

ઊંઘમાં ચૂકી ગયો તારું મિલન,

એ પળે તો જાગવાનું હોય છે.

ગીતની સરગમ મધુરી રાખજે,

સાજને તો વાગવાનું હોય છે.

 -‘સાજમેવાડા

 svikarvanu-hoychhe-gazal-saaj-mevada

 

Read Full Post »

(131)-પરવા નથી કરતો (ગઝલ)

ભલેને સમ તમે દો, જામની પરવા નથી કરતો,

પીધું છે દૂધ ફૂંકીને, છાસની પરવા નથી કરતો.

જિવનની ખેલ-બાજીમાં કદી હાર્યો કદી જીત્યો,

ઘણી વેળા મળેલી હારની પરવા નથી કરતો.

હજીયે છે મિલનની આશ, તું કે’ તો જણાવી દઉં,

વગર તારા મળે એ સાથની પરવા નથી કરતો.

શિખર પર્વત રહ્યાં ઘણાં ઊંચાં, નદી-સાગર ભલે ઊંડાં,

ધરા પર ચાલનારો, આભની પરવા નથી કરતો.

હવે પાછો વળે ના, ‘સાજ’ લઇને પંથ અનહદનો,

તરાવે કે ડૂબાડે, જાતની પરવા નથી કરતો.

– ‘સાજ’ મેવાડા

Parvaa Nathi Karato Gazal Saaj Mevada

Read Full Post »

01AugSun2011SaajAt MahendrabhaIPlace 044 (2)

મિત્રો, આજે ખૂબજ જાણીતા ગઝલના છંદમાં એક નઝમ પ્રસ્તુત કરું છું. આપને ગમશે અને ગાવાની ઈચ્છા થાય તો તે પણ સારી રીતે થઈ શકશે, કારણ કે ઘણા ફિલ્મી ગીતો અને ગઝલો આ છંદમાં જાણીતી છે.

116 – ..આવેછે (નઝમ)

તમારા પ્રેમનો અણસાર વારંવાર આવે છે,

ઝરણ થઇને હ્રદયથી એ નયનને દ્વાર આવે છે.

મિલનની વાત જીવનમાં અધુરી છે, અને રહેશે,

તમારા મહેલનો રસ્તો ઘણો દુશ્વાર આવે છે.

તમે આવો કદી મળવા અમારા કોઇ સપનામાં, 

તમારી યાદના વંટોળ પારાવાર આવે છે.

તમે આતમ તણા ભેરુ, ભલેના જન્મના સાથી,

ગઝલના શૅર થઇને નામ અધ્યાહાર આવે છે.

તમારા ગીતને ગાવા, અમેતો સાજથઇ બેઠા,

વગાડો તાલને સરગમ, જુઓ દિલદાર આવે છે.

-‘સાજમેવાડા, વજન – લગાગાગા x

Read Full Post »

યમુના ના તીરે રાધા અને ગોપીઓ ભેળી થઈને તેમના વ્હાલા શ્યામ-કનૈયાને રમવા(રાસ) બોલાવે છે. સૌ વસંતના વાયરામાં ફૂલોની સુગંધ સાથે કોયલ અને ઢેલડીના ટહૂંકા રૂપે સંદેશો મોકલે છે, કે શ્યામ હવે વ્હેલેરા આવો અમે તમારા મિલનનની આશાએ વ્યાકૂળ થયાં છીએ, ના આવો તો તમને અમારા સમ છે.

શ્યામ આવોને રમવા

રાધા ને ગોપીઓ, ટોળે મળી છે શ્યામ, આવોને રમવા,

ખીલી છે ચાંદની ને, વસંતી રાત શ્યામ, આવોને રમવા.

 

કોયલ ને મોરનીના, ટહૂકાના ગુંજથી,

ફોરમ ફૂલડાની લઈ, વાયરાના પુંજથી,

મેલ્યો સંદેશો તને, નંદજીના લાલ, શ્યામ, આવોને રમવા.

 

વેણુનો નાદ ધીરે, ધીરે છેડીને,

સંતાયો કા’ન ક્યાંક નજરૂ ચોરીને,

યમુનાને તીર સખી, જુએ છે વાટ, શ્યામ, આવોને રમવા.

 

સોગન દઈને ‘સાજ’ , વિનવે હરિને,

વે’લેરા આવો નાથ, વેણુ ધરીને,

મિલનની ઝંખનામાં, ખોયું છે ભાન, શ્યામ, આવોને રમવા.

ગીત – ‘સાજ’ મેવાડા,

રાગ – સારંગ

Read Full Post »

 

કૃષ્ણ મારુ પાલવડે બાંધ્યુ રતન

 ગામડાની સ્ત્રી પોતની પાસેની અમૂલ્ય વસ્તુઓને પાલવની ગાંઠે બાંધી રાખે છે. વારે વારે ગાંઠ છોડીને કે અડકીને તેને તપાસે છે કે કશું ખોવાયુ તો નથીને! એમ પ્રભુભક્ત પણ ભગવાનને હ્રુદયમાં સાચવી રાખે છે અને વારે વારે તેને યાદ કરીને ખાતરી કરી આનંદ માણે છે. એવુજ કંઈક રુપક રચ્યું છે ભજનગીતમાં. ગમશે.

કૃષ્ણ મારુ પાલવડે બાંધ્યુ રતન,

હૈયે ધરીને કરુ જતન………. કૃષ્ણ મારુ.

 વારીજાઉં મનહર નીલુ વદન,

દિવ્ય તારાં અમી ભર્યાં છે નયન,

અધર ધરે વેણુને કરે નર્તન………કૃષ્ણ મારુ.

 કેશ તારા ઘૂઘરીયા કાળા સઘન,

શિશ ધરે મોરપીંછ  ડીલે ચંદન,

કંઠે શોહે મણિ ને પીળુ વસન……..કૃષ્ણ મારુ.

 ઝંખે મારો આતમ હરિનુ મિલન,

નાથ તને જનમો જનમનુ વચન,

સાજતારા નિત્ય પખાળે ચરણ………કૃષ્ણ મારુ.

 

રાગ સારંગ/ભિમપલાસી

 સાજમેવાડા

 

Read Full Post »