Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘રાગિણી’

  182-જીવન-ગઝલ

જીંદગી છે શક્યતાની પાર પણ,

એ હકીકત છે સમજની બા’ર પણ.

એ જ સાચો જીંદગીનો સાર પણ,

દુઃખમાંયે સુખ છે બે ચાર પણ.

ઝૂઝવામાં વીતશે આ જીંદગી,

છે જીવનમાં ઈશનો આધાર પણ.

જીવતરતો એક એવો ખેલ છે,

હોય એમાં જીત, સાથે હાર પણ.

અંતકાળે થઇ જશે એનું મિલન,

ધૂળ ભેગી રાખ, લાગે વાર પણ.

‘સાજ’ સાજીંદા વગર ગાતો નથી,

રાગિણી છે કંઠમાં દમદાર પણ.

-‘સાજ’ મેવાડા

  Venunad.wordpress.com

Advertisements

Read Full Post »

   177- ચરણે ઢળવું (ગઝલ)

વૃક્ષ તનેતો દર મોસમમાં ફાવે ફળવું,

કેમ હશે આ માનવને કાયમનું બળવું.

દ્વાર ઉઘાડી વારે વારે શોધું છું પણ,

કેમ કરી તું ના આવેતો પાછા વળવું?

એક અજાણ્યો રસ્તા ઉપર ચાલ્યો આવે,

પૂછ જરા, એ શાને આવ્યો, કોને મળવું?

હુંય અચાનક કરમાવાનો સંધ્યા ટાણે,

સુર્યમુખીની સાખે તારા ચરણે ઢળવું.

આવ કદીતો દર્શન દેવા મારા સાજન,

‘સાજ’ તણી રાગિણી થઇને ગમશે ભળવું.

-‘સાજ’ મેવાડા

Read Full Post »

 96 – કંઇક ખૂટે

 

અસ્તિત્વની દૌડ ઝાઝી, કંઇક ખૂટે, 

પૂંજ પાછળ રોશનીની, કંઇક ખૂટે.

જો સજાવટ ઓરડાની, લાખ આંકે,

ફૂલદાની સાવ ખાલી, કંઇક ખૂટે.

ચાંદ રાતે રોજ આવે બારસાખે,

ખૂબ ખીલે રાતરાણી, કંઇક ખૂટે. 

જીંદગીને પોંખવાની સાંજ આવી,

મંજુસામાં સોનું ચાંદી, કંઇક ખૂટે.

તાર તૂટે તંબુરાનો ‘સાજ’ રૂઠે,

ભાવભીની રાગિણીમાં, કંઇક ખૂટે.

-‘સાજ’ મેવાડા

છંદ – ગાલગાગા ગાલગાગા ગાલગા

NOTE:-

ગઈ કાલે સાંજના ચાલવા નિકળ્યો ત્યારે શહેરની રોશની અને સજાવટ જોઈ આનંદ થયો. એ સાથે આગળ જતાં ફૂટપાથ ઉપર પ્લાસ્ટિક ને ફાટેલાં કપડાંથી ઢંકાઈને પડેલું કુટુંબ પણ જોયું. અને આ અર્વાચિન ભારત, આમ જનતા અને અબજો પતિઓની સરખામણી કરતાં પહેલી પંક્તિ લખાઈ, પછી બીજા વિચારો તરફ વળી ગયો, અને આ ગઝલ રચાઈ.

વળી, જેમ જીંદગીમાં કોઈને કોઈ વાર તો દરેકને કશું ખૂટવાનો અનુંભવ થતોજ હોય છે, ખાસતો એવા સમયે જ્યારે વૃધત્વ સામે હોય, કમાણી- બચત લોકરમાં સોના ચાંદી રૂપે સચવાયેલી હોય, તો પણ વ્હાલા બાળકો પરણીને દૂર રહેતા હોય, આ ઊંમરે પણ પોતાના પરલોક સિધાવેલા મા-બાપ, દૂર રહેતા મિત્રો અને અન્ય આપ્તજનો યાદ આવતાં હોય ત્યારે ઘણા વિચારો આવે. સંપૂર્ણ જીવન જીવાય ગયું હોય અને કશી પણ ખેવનાઓ બાકી ના રહી હોય ત્યારે ઊંડે ઊંડે હ્રદયમાં તો પણ કશુંક ખૂટે એવી લાગણી થઈ આવે તો? ત્રણ જુદી રીતે, આ રીતે અનુંભવાય,

જીંદગીને પોંખવાની સાંજ આવી,

જીંદગીને પોંખવાની સાંજ આવી!

જીંદગીને પોંખવાની સાંજ આવી?

તો મિત્રો, ગમે તો જરુરથી અભિપ્રાય લખશો. લખશોને?

તા.ક. – મારા સૌ બ્લોગ અને અન્ય મુલાકાત લેનારા મિત્રોને દિવાળીની શુભકામનાઓ અને નવા વર્ષમાં પ્રભુ આપ સૌને સુખ, સંપતિ અને સ્વાસ્થ્ય બક્ષે એજ પ્રાર્થના!

જય શ્રી રાધે-કૃષ્ણ!

Read Full Post »