Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘સાજ’

223 – Pachhu valine jovu nahi-પાછું વળીને જોવું નહીં

આગળ આગળ ચાલ્યા કરવું, પાછું વળીને જોવું નહીં,

નીર નદીના થઇ વિસ્તરવું, પાછું વળીને જોવું નહીં.

મંઝિલ તો છે ઊંચો પર્વત, કાંટાળી ત્યાં ખીણ હશે,

ઢાળ મળે ત્યાં ના ઊતરવું, પાછું વળીને જોવું નહીં.

હોય તમારો મારગ સાચો, ગાંધી જેવા માનવનો,

ખુદ્દારી રાખીને મરવું, પાછું વળીને જોવું નહીં.

ભસતા કૂતરા કરડે નહીં એ કહેવત ખોટી છે મિત્રો,

જાન બચાવીને સંચરવું, પાછું વળીને જોવું નહીં.

‘સાજ’ તમારો દોષ નથી કંઇ, દુનિયાની એ રીત હશે,

જેવા સાથે તેવા ઠરવું, પાછું વળીને જોવું નહીં.

  ‘સાજ’ મેવાડા                  24/11/2018

 

 

 

Read Full Post »

220-Shakya Chhe-શક્ય છે

મૌનમાં કાયમ રહે એ શક્ય છે,

લાગણી મોઘમ રહે એ શક્ય છે.

ના મિલાવો આંખ સાથે આંખને,

ચેપનું જોખમ રહે એ શક્ય છે.

ફૂલ આપો પ્રેમથી જો કોઈને,

હાથમાં ફોરમ રહે એ શક્ય છે.

પાનખર તો આવશે ને જાય પણ,

વ્રૂક્ષ લીલુંછમ રહે એ શક્ય છે.

‘સાજ’ની આ જીંદગી તો ખેલ છે,

દાવમાં અણનમ રહે એ શક્ય છે.

‘સાજ’ મેવાડા  

 

 

Read Full Post »

218-Tamari me Gazal -તમારી મેં – ગઝલ

વાટ જોયા કરી તમારી મેં,

જીંદગી ઉંબરે ગુજારી મેં.

એટલે અંધકાર હતો ઘરમાં,

બંધરાખી સદાય બારી મેં.

આમ વિશ્ર્વાસ તો હતો પૂરો,

આપની વાતના વિચારી મેં.

ડોકટર શું નિદાન કરવાનો?

રોગ નામે કરી લવારી મેં.

હું ગુનેગાર છું, સજા આપો,

કોર્ટ સામે ધરી કટારી મેં.

યાદ ઝાંખી થઈ હતી એની,

ભીંતપરની છબી ઉતારી મેં.

સમસમી જાય છે સભા આખી,

‘સાજ’ નામે ગઝલ ઉગારી મેં.

-‘સાજ’ મેવાડા

 

Read Full Post »

216-Rahishu-Gazal-Saaj Mevada-રહીશું-ગઝલ

અમેતો તમારા દીવાના રહીશું,

ગમેના તમોને તો છાના રહીશું.

તમે રાહ ચીંધીંને ભૂલી જવાના,

અમેતો તમારા સદાના રહીશું.

ઉડો આભમાં, આ સમય છે તમારો,

અમે પ્રેમથી આ ધરાના રહીશું.

ભલે કોઇ દુશ્મન હશે દોસ્ત મારા,

હ્રદયથી અમેતો બધાના રહીશું.

તમે મૂકશો નામ છેલ્લી કતારે,

અમે તોય અંગત સભાના રહીશું.

તમે ફૂલ જેવા ગુલાબી સુકોમળ,

અમે લઇ સુગંધી હવાના રહીશું.

કરો સૂર ઊંચા તમે “સાજ” કાયમ,

અમેતો ખરજમાં મજાના રહીશું.

-“સાજ” મેવાડા 

 

 

                   

 

Read Full Post »

214 – Lagado Chho – લગાડો છો – ગઝલ

જખમ તો કયારના દીધા, મલમ આજે લગાડો છો!

ફરીથી લાગણી દિલની, હવે શાને જગાડો છો?

અમે વીણ્યા હતા કાંટા, તમારા પંથના કાયમ,

તમે બાવળ, અમારા આંગણામાં પણ, ઊગાડો છો.

સમય વીત્યો, ના આવશે પાછો, ખબર છે ને?

કરીને યાદ દુ:ખોને, હવે જીવન બગાડો છો.

ભલે દરકાર ના કરતા, છતાં નિદૅય થયા શાને?

નિમંત્રીને, સભામાંથી વિના કારણ ભગાડો છો.

અનેરાં ગીત ગાયાં છે, સુરીલા ‘સાજ’ની સાથે,

છતાંયે, રાગમાં સરગમ તમે ખોટી વગાડો છો.

    -‘સાજ’ મેવાડા      25 July 2018

 

Read Full Post »

211-Kayar Dari Janara-Gazal-Gazal-Saaj Mevada211-Kayar Dari Janara-Gazal

         કાચર ડરી જનારા-ગઝલ

 સંહારના જીવનને, કાયર ડરી જનારા,

જોયા કદી, અકાળે ફૂલો ખરી જનારા?

એ જ્ઞાનપીઠ ખોલે, ને ટંકશાળ માને,

માસુમ બાળકોના જીવન હરી જનારા.

છે જીંદગી તમારી દુર્લભ કિતાબ જેવી,

પૃષ્ઠો તમેજ કાપી, પસ્તી કરી જનારા.

ના આવ મયકદામાં, સાકી સજી-ધજીને,

બેફામ પી મરે છે, જામો ભરી જનારા.

મજનુ હતો કહો છો, ફરહાદ પણ હતો ને?

પામ્યા નથી કશુંયે, પ્રેમી મરી જનારા.

શ્રધ્ધા નથી પ્રભું પર, ના જાત પર ભરોસો,

ડૂબી ગયા કિનારે, સાગર તરી જનારા.

આ ‘સાજ’તો ગઝલમાં છેડી ગયો દરદને,

ના થઇ અસર તને કંઇ પાછા ફરી જનારા.

    –‘સાજ’ મેવાડા    10 June 2018.

 

Read Full Post »

    210-Ujash Muki jaay Chhe-Gazal

     ઉજાશ મૂકી જાય છે-ગઝલ

કોઇ મારા દ્વાર પર ઉજાશ મૂકી જાય છે,

દ્વાર ખોલી જોઉં ત્યાં આબાદ સરકી જાય છે.

એ કરે મારી પરીક્ષા, ને પ્રતીક્ષા એની હું,

ઉંબરાની બ્હાર થોભી કેમ અટકી જાય છે?

રોજ હું મથતો રહું છું ભ્રમ મારો ભાંગવા,

નામ દિલના આયનામાં એનું ઝબકી જાય છે.

સૂર્ય જેવો એ પ્રકાશે, છે હ્રદયના ગોખમાં,

યાદ એને હું કરું તો સ્હેજ મલકી જાય છે.

એક છે દુનિયામાં સઘળે એજ હું ને એજ તું,

પ્રેમથી એના ચરણમાં ‘સાજ’ ઝૂકી જાય છે.

-‘સાજ’ મેવાડા      31 May 2018

         Venunad.wordpress.com

 

 

 

Read Full Post »

204Khalbhali Gayo-(Gazal)

      ખળભળી ગયો-(ગઝલ)

સાગર હતો એ, ચાંદ જોતાં ખળભળી ગયો,

પથ્થર હ્રદયનો આદમી પણ ઓગળી ગયો.

વ્હલી સવારે ઓસમાં સૂરજ ઢળી ગયો,

આસવ બની એ રકતમાં મારા ભળી ગયો.

ખૂલી ગઈ જો આંખતો પાછો વળી ગયો,                                               

સારું થયું કે ભોમિયો સાચો મળી ગયો.

એથીજ તો મારી હજી શ્રધ્ધા ટકી રહી,

મારી બધીયે પાર્થના એ સાંભળી ગયો.

અફવા હતી કે પ્રેમ, હું પૂછીય લેત પણ-

આવી ગયેલા હોઠ પર, શબ્દો ગળી ગયો.

ગજગાહ જેવી જીંદગીમાં કોણ સાથ દે,

આવ્યો નહીં એ કૃષ્ણ તો, હું નીકળી ગયો.

જૂનો થયો છે ‘સાજ’ પણ, અકબંધ સૂર છે,

ફૂંકયો જરા તેં પ્રાણ, એ લયમાં ઢળી ગયો.

   -‘સાજ’ મેવાડા

    Veninad.wordpress.com 

 

 

Read Full Post »

197-Maro Chhe – (Gazal)-મારો છે

હક સજા પર લગાર મારો છે,

જાત પરનો પ્રહાર મારો છે.

મેં જ ખોદી હતી કબર મારી,

એટલે આ મઝાર મારો છે.

નામ પડઘાય તારું ચોપાસે,

આર્તનાદે પુકાર મારો છે.

શોધશો તો જરૂર મળવાનો,

રણ વચાળે તુષાર મારો છે.

એક તારો વિયોગ સાલેતો,

યોગનો પણ વિચાર મારો છે.

એ હસાવે કદી રડાવે પણ,

દર્દ દેનાર યાર મારો છે.

સાત સૂરોના ‘સાજ’માં જાણે,

ઈશ્વરી આવકાર મારો છે.

-‘સાજ’ મેવાડા

 

Read Full Post »

195 – Angara Jevo-Gazal-અંગારા જેવો

કો’ ભઠ્ઠીના ભારા જેવો,

હું તો છું  અંગારા જેવો.

તારી આંખોનો પલકારો,

વિજળીના ઝબકારા જેવો.

દીપ હશે તો ઊંચે ચઢશે,

જીવન પથ ગુબ્બારા જેવો.

મેઘ ગરજતો નીલ આકાશે,

અનંતના  ઈશારા  જેવો.

ફૂલ ઉપર એ ઝાકળ લાગે,

પ્રેમ નદીની ધારા જેવો.

ના સમજો તો કે’વું પડશે,

કોઇ નથી અહીં મારા જેવો.

રાગ રચ્યો છે ‘સાજ’ તમે એ,

નરસિંહ ના કેદારા જેવો.

-‘સાજ’ મેવાડા

  

 

 

 

 

 

Read Full Post »

Older Posts »