Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘child Krishna and Jashoda’

મિત્રો,

મારા બે ગીતનો સમનવ્યય કરીને આ ‘રાસ’ નું રેકોર્ડીંગ થયું છે.

છંદમાં-

મોહન મારું મનડું તારું નામ અહર્નિશ જપતું,

વેણુનાદે મગન થઈને ભાન ભૂલી થનગનતું.

ગોવર્ધનના શિખર પરએ નૃત્ય કરી વિચરતું,

મોર બનીને ટહૂકે ટહૂકે મોહન મોહન જપતું.

રાસ ગીત- કાનો મારો રુઠ્યો રિસાયો કવેણ..

સખી મને ઘડીએ ના આવે ચેન,

કાનો મારો રુઠ્યો રિસાયો કવેણ.

જશોદાજી ગોરા ને ગોરા છે નંદ,

મેઘલી રાત સમું કાળું તારું અંગ,

સહેજ કીધું કાના તું ગોરો નથી કેમ?…..કાનો મારો.

માખણની ચોરી કરે વર્તાવે કેર,

નંદ ઘેર ભર્યા છે માખણના ઢેર,

સહેજ કીધું કાના તું ચોરી કરે કેમ?…..કાનો મારો.

વેરણ મારી રાતડી ને ભલે થાયે ભોર,

વેણુની ધૂન વાજે આઠે પહોર,

સહેજ કીધું કાના તું વહાલો લાગે કેમ?…….કાનો મારો.

બાંય ઝાલી હૈયે લીધી પ્રેમ ભરે નેણ,

કાનમાં કીધા મને મીઠામધ વેણ,

‘સાજ’ના સ્વામી તને જાણ્યો નહીં કેમ?……કાનો મારો.

છંદ,

રાસ રચ્યો તેં નભ મંડળમાં કેવી કરે રમઝટ તું,

વ્રજ નારી રાધાને પગલે ઝાંઝર થઈ ઝળઝણતું.

જમના જળમાં સ્નાન કરીને ફૂલ ખીલ્યું મઘમઘતું,

‘સાજ’ને ભક્તોની સંગે મનમોહન તને ગમતું.

રચયિતા- ‘સાજ’ મેવાડા

ગાયક- નિલેશ પરમાર, તબલા-હિમાંશું ગગલાની,

સંગીત-અજીતભાઈ, કલહંશભાઈ, રેકોર્ડિસ્ટ-દિવ્યાંગ

Read Full Post »

મિત્રો,

આખરે મારો કાનો રિઝ્યો, મારા ઉપર! એના પ્રેમના સંકેતો મળ્યા, અને આ રચના થઈ છે. ગોકુળની એક વિરહઘેલી ગોપી કાનાના અંગત-સ્નેહીઓને, મિત્રોને અને અન્ય ગોપીઓને પૂછે છે, “કાનો ગોકુળમાં ક્યારે આવશે?” પણ અન્ય પણ કાનાની જવાની વેદનામાં સામે એવો જ પ્રશ્ન પૂછે છે. આખરે રાધાજી શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણે કહેલી વાત દોહરાવે છે, કે કાનો હવે ભક્તોના પ્રેમ થકી તેમનો આર્તનાદ સાંભળીને આવશે. 

 

“કાનો ગોકુળ માં ક્યારે આવશે?”

નંદ જશોદાને એમજ પૂછી લીધું, “કાનો ગોકુળ માં ક્યારે આવશે?”

આશભરી આંખ લૂંછી જશોદાએ કીધું, “મારી ધેનુંને આવી ચરાવશે?”

 

ભેરુ ગોવાળને વાતોમાં પૂછી લીધું,  “કાનો ગોકુળ માં ક્યારે આવશે?”

અજવાળી રાતમાં યમુનાના તટ પર, “દડો રમવાને ક્યારે આવશે?”

 

ગાયોને ખડ દેતી ગોપીઓને પૂછી લીધું, “કાનો ગોકુળ માં ક્યારે આવશે?”

મહીડાં વલોવી શીંકે મેલ્યાં છે, “મટકી ફોડવાને ક્યારે આવશે?”

 

રાધાજી બાવરીને કોણ પૂછે સીધું, “કાનો ગોકુળ માં ક્યારે આવશે?”

કાનો વસ્યો છે મારા રુદિયામાં “સાજ”, “ભક્તોની આર્ત સુણી આવશે.”

 

“સાજ” ંમેવાડા

 

 

 

Read Full Post »

શ્રીકૃષ્ણ જન્મના પ્રસંગ ઉપરની આ રચના તમને અચૂક ગમશે. સમયના અભાવે પ્રસંગ સચવાયો નહીં. ઘણા મિત્રોની વિનંતિને માન આપી આવખતે ફિલ્મી ગીતના ઢાળ-રાગ ઉપર લખવા પ્રયત્ન કર્યો છે. જોકે મને કોઈની ધૂન કે સ્વર રચનાની કોપી કરવાનું ગમતું નથી, હું મારાં ગીતની સ્વરરચના જાતેજ બનાવું છું.

હા, કોઈવાર કોઈ ગીતની છાયા આવી જાય, પણ એ અનાયાશે જ થયું હોય છે. મારા ઘણા ભજનિક મિત્રો પોતાની જાતે જ ઘણીવાર ફિલ્મી ધુનમાં બેસાડી ગાતા હોય છે, એ નોંધનિય ખરું.

તુર્ભુજહરિજનમ્યાઆજે 

દેવકીને વસુદેવને હૈયે હરખ ના માય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

ગગન મેઘ ઘનઘોર ગાજે, વિજળી કરે ચમકાર,

મધ્ય રાતને શ્રાવણ માસે વદ આઠમ અંધકાર,

મથુરા નગરી નિંદરે ડૂબે, યમુના જળ ઊભરાય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

ધર્મકાજે પ્રભુ પ્રગટ્યા અવનિ પામે સુખ,

શંખ ચક્ર પદ્મ ગદાધારી, શ્યામ સુંદર મુખ,

શ્રીવત્સ ચિન્હ કાને કુંડળ, મણિમુકુટ શોહાય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

નમન કરીને વિનવે પ્રભુને, તજીદ્યોને આ રુપ,

બાળ અમારો જનમ્યો જાણી, મારશે મથુરાનો ભૂપ,

શિશુ હરિને ગોદે લઈને, વસુદેવ ગોકુળ જાય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

યશોદાજીને દિકરી જન્મી, યોગમાયાનો અવતાર,

નંદલાલ થઈને હરિ પોઢ્યા, જગના તારણહાર,

બાળકી બદલીને લાવે વસુદેવ, કેદ ફરી પુરાય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

નંદઘેર ઉત્સવ આજે, જશોદા સુત કહેવાય,

મૃદંગ ઢોલ નગારાં વાગે, દેવો સ્તુતિ ગાય,

“સાજ” સજીધજી વધાઈ દેવા નંદજીને ઘેર જાય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

‘સાજ’ મેવાડા 

( રાગ – મેરા જીવન કોરા કાગજ )

Read Full Post »

(Picture-Recaptured from ISKON original)

જન્માષ્ટમી, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આવી રહ્યો છે. આ રચનાની વાતો ઘણી વાર કહેવાઈ હોવા છતાં કૃષ્ણની બાળલીલા ભક્તોને વારંવાર સાંભળવી કે ગાવી ગમે છે. હું ભક્તોમાં ગણાઉ એવી મારી લાયકાત નથી, છતાં શ્રી કૃષ્ણ ચરિત્ર ગમે છે અને તેમનાં માનવિય નટખટ સહજ બાળક રૂપ કૃત્યો ખૂબજ ગમે છે. 

તો આજે આ સરળ એવી રચના-ગીત, “કોને કહીએ રે” આબાલ-વૃધ્ધ સૌને ગમશે.

કોને કહીએ રે(ગીત)

જશોદા તારો કાનુડો ઘણો નટખટ લાગે રે,

લાલને તારા વાળો મૈયા કોને કહીએ રે.

ગોપ વાનરની ટોળી લઈને માખણ ચોરે રે,

શીકે મેલ્યાં મહીં માખણને ઢોળી નાખે રે.

વલોણા ટાણે સંતાઈ મારી ગોરી ફોડે રે,

યમુના કાંઠે પાણી ભરતાં કંકર મારે રે.

ગોધન ભેળાં વાછરડાંને છોડી મેલે રે,

દોહવા ટાણે અમને જોતો તાળીઓ પાડે રે.

શાણો થઈને ડરીને બેઠો વહાલો લાગે રે,

“સાજ”ના સ્વામીની લીલા ભક્તો માણે રે.

સાજમેવાડા 

Read Full Post »

લાલો

BalKrishna Eating Butter

    

લાલો 

કાના તને માખણને મિસરી ભાવે,

ખોળે બેસાડી મૈયા, જશોદા જમાડે.

ડગમગ ચાલે લાલો ડેલીમાં આવે,

ગંગી ગાય જોઇ એને દુધ વહાવે.

પાલવ પકડીને લાલો માને બોલાવે,

છાતીએ લગાડી મૈયા ગોદમાં સુવાડે.

માટી ખાઈ મૈયાને ખુબ સતાવે,

ખોલી મુખ લાલો માને ત્રિલોક બતાવે.

નંદ બાબા ધીરે ધીરે ઝુલે ઝુલાવે,

નિંદ ના આવેતો એને લોરી સુનાવે.

મંદ મંદ હસે લાલો સૌને લુભાવે, 

દર્શન કરવાને “સાજ” શિવજી આવે.

રાગ-માલકૌંશ    

“સાજ્ મેવાડા 

Read Full Post »