Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2012

88…એના હૈયામાં રાજ કરે રાધા.

માનનિય બ્લોગ મિત્રો,

દ્વારિકામાં જઈ વસેલા શ્રી કૃષ્ણ બધી સુખ-સાહ્યબીમાં રહેવા છતાં ગોકુળનું બાળપણ અને એમની પ્રિય સખી રાધાને ભૂલ્યા નથી. રાધાજીના પ્રેમ અને વિરહ ઉપર ઘણી રચનાઓ થઈ છે પણ શ્યામ, દ્વારકાના નાથ, રાજાધિરાજની વેદનાની વાતો ઓછી થઈ છે. મેં આ રચનામાં પ્રયત્ન કર્યો છે કંઈક એવો ભાવ રજુ કરવામાં. જોકે હું સંપુર્ણ સફળ થયો નથી, એ દેખાઈ આવશે!

‘સાજ’ મેવાડા

“જેઓ છૂટાં પડી શકે તે બીજા ગમે તે હોય, રાધા અને કૃષ્ણ તો નહીં જ”

–ગુણવંત શાહ ( કૃષ્ણં શરણં ગચ્છામિ માંથી )

****************************************************

…એના હૈયામાં રાજ કરે રાધા.

દ્વારકાનો નાથ મારો રાજાધિરાજ, એના હૈયામાં રાજ કરે રાધા,

હિરના હિંડોળે રુકિમણી ઝૂલાવે, એના હૈયાના ઝૂલે, ઝૂલે રાધા.

દ્વારકાના મહેલમાં યાદ આવે રાધાતો, કનક થાળીને દૂર ઠેલતા,

વગડામાં બેસી એણે રાધાના હાથથી, માખણ મિસરી છે ઘણા ખાધા.

પારિજાત ફૂલ રુકિમણીને પ્રેમથી, નારદની ભેટ ગણી આપતા,

સખી રાધાના વિખરેલા કેશમાં, કેવાં વેણીમાં ફૂલ ગૂંથતા?

રાધાને શ્યામ કદી જૂદા ના હોય ‘સાજ’, ગોકુળીયુ હોય કે દ્વારકા,

જન્મારે જન્મારે રાધાને શ્યામ તો, ભક્તોની આર્ત સુણી આવતા.

-‘સાજ’ મેવાડા

Read Full Post »

માનનિય મિત્રો,

આપ સૌ મારા આ બ્લોગની મુલાકાત લેતા રહ્યા છો, અને વિચારતા હશો કે, “કેમ કંઈ નવી પોષ્ટ આવતી નથી?” કારણ ઘણા છે, જેમાંના થોડાક અહીં રજું કરું છુ. આ ઘોંઘાટ માંથી નિકળીને જરુરથી મને ‘વેણુનાદ’ સંભળાશે, રાહ જોજો. જય શ્રી રાધે-કૃષ્ણ !

-આ શહેરમાં…

સમયના ભારે ભરમાઈ ગયો, આ શહેરમાં.

દેશ છોડી આવી ગયો છે, આ શહેરમાં.

સાચું નામ એનું મળી ગયું PAN CARD માં,

હોય સામે પણ “કોણ?” પૂછે, આ શહેરમાં.

MOBILE, LAPTOP ને CAR જોઈ, “શું વાત છે?”,

MALL, MOVIE MULTIPLEX નો નશો ચઢે, આ શહેરમાં.

પગદંડીનો વૈભવ અનેરો મારા દેશમાં,

HIGHWAY પર ભૂવા પડે છે, આ શહેરમાં.

કોયલ કુંજે ને મોર ટહુંકે છે મારા દેશમાં,

કાગડો પણ કશે ના મળે, આ શહેરમાં.

રુંધાઈ ગયો ‘સાજ’નો સુર કેવો ઘોંઘાટમાં,

“વેણુનાદ”ને શોધી રહ્યો છે, આ શહેરમાં.

‘સાજ’ મેવાડા

Read Full Post »

નવી રચના થાય ત્યાં સુધી, મારા આ બ્લોગની રચનાઓમાંની  થોડી પંક્તિઓ માણો.Image

________________________________________________________

ગોપી ગોવાળ તારા વ્યાકુળ થઈ શોધે છે,

ને ગોકુળિયુ દિસે સુમસામ, વેણુ વગાડોને શ્યામ!

                *****

ગોકુળ છોડીને ભૂલ્યો તુ કાન મને,

ઝરુખે ઝુકીને નિરખી જો, દ્વારિકાના નાથ મને ઓળખી જો!

                *****

કોણ રે વગાડે ‘સાજ’ બેસુરા નાદમાં,

રાસ ભૂલી વ્રજનાર ગાયનના વાદમાં,

રોતી રાધાને વેણુ તારી વરવી છે,

મારે મનડાની વાત એક કહેવી છે.

                *****

તારા ભક્તોને કાજ આવીને એક દિ,

બંશરીની ધૂનો સંભળાય તું,

અંતરે રાખી ‘સાજ’ નિશદિન ધ્યાન ધરે,

દર્શન વિનાનું જાય આયખુ.

                *****

‘સાજ’ કહે ચરણે પડી, ભવનો ભરથાર મારો,

પ્રેમે વરી કાનજી છે.

                *****

નિશદિન તડપે મન એને જોવા,

કૃષ્ણ કહાનડાને ચાહે તે વરવા,

‘સાજ’ના સ્વામીને એટલું કહેજો,

છોડેના મારો હાથ, બેની હું કેમ કરુ કા’ન કેરી વાત!

                *****

‘સાજ’ના સ્વામીને દેજો સંદેશો સખી,

મિલનની આશે જોઉં વાટડી,

વિરહની વેદનામાં ભવ કેમ જાય સખી,

નિર વિના જેમ વેલ-પાંખડી.

                *****

નટખટ તે નંદલાલ રાજાધિરાજ છે,

ભૂલ્યો છે ‘સાજ’ કદી ભૂલ્યોના નાથ છે,

સાદ કરે સપનામાં દોડી આવુ!

                *****

‘સાજ’ કહે સ્વામી મારો શ્યામ બીજો હોયના,

ચરણોમાં શિશ ધરું ભવ એળે જાયના!

                *****

મેંતો મિંઢળ બાંધું છે તારા નામનું,

કોઈ પૂછે તો કે’શું મારા શ્યામનું!

                *****

ના માને તું લોક ના જાણે,

હરિને દીધું છે મારું ચિત્ત,

સખી મ્હારે શામળિયાશુ પ્રિત.

                *****

સખી મને ઘડીએ ના આવે ચેન,

કા’નો મારો રુઠ્યો રિસાયો કવેણ.

                *****

શિર ચરણે ધરીને ‘સાજ’ વિનવે હરિ,

પ્રભુ આવશો ક્યારે મારે નેસડે ફરી….!

                *****

રોમ રોમ ઝંખે તને તડપે છે ‘સાજ’ રોઈ,

સાજિંદો શ્યામ મારો છેડે જો રાગ કોઈ,

તારી બંશરી બનીને હું આવું શામળિયા,

હોઠે ધરે તો હું ગાઉં……!

*****

છેલ્લું ચરણ ભરી ‘સાજ’ કહી દેવું છે,

અંતે આવી દ્વારિકામાં સમાઈ જાવું છે,

શામળિયા તારા પ્રેમમાં લૂંટાઈ જાવું છે.

                *****

Read Full Post »