Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2017

191-Jivi Javu-Gazal-જીવી જવું-ગઝલ

શ્વાસ ચાલે ત્યાં સુધી જીવી જવું,

પીંજરેથી તે પછી ઊડી જવું.

જિંદગીનો અર્થ સીધો જાણવા,

જો, કળીને ફૂલ થઇ ફોરી જવું.

જે સમયને સ્થળથી સાપેક્ષ છે,

સત્યને સંજોગથી સમજી જવું.

દે ભલે મિષ્ટાન કળવો લીમડો,

છે ફકીરી કામ ઘોળી પી જવું.

આગ ચાંપે, ઘા કરે તલવારનો.

રામ રાખે મોતને આંબી જવું.

દૂશ્મનીતો કોઈથી કરવી નથી,

જ્યાં મળે પ્રેમ ત્યાં ચાલી જવું.

આવ સર્જનહાર રોકીલે મને,

‘સાજ’નું બેસૂર થઇ ટૂટી જવું.

-‘સાજ’ મેવાડા

Read Full Post »

190-પ્રતાપી દે મને-ગઝલ

પ્રેમથી ચરણે પ્રતાપી દે મને,

મદ ભર્યા નયનોમાં સ્થાપી દે મને.

રોજ મારી પ્યાસ વધતી જાય છે,

જામ છલકાવી, કદાપિ દે મને.

વાટ જોતાં થાકવાનો હું નથી,

કોઈપણ જન્મે ઉત્થાપી દે મને.

હું વધારે તો નથી કંઇ માગતો,

એક તારું નામ આપી દે મને.

તેં દિધેલા દર્દ બેશુમાર છે,

એમ થોડાં સુખ માપી દે મને.

એકલો આ ‘સાજ’ જાતે શું કરે,

સૂર તારો, ઓ કલાપી દે મને.

-‘સાજ’ મેવાડા

 

Read Full Post »

189-થાય શું?- ગઝલ

દૂરથી નોટો નિહાળે, થાય શું?
કામ એનું ટંકશાળે, થાય શું?
હોયના વિશ્વાસ એને જાત પર,
રોજ સિક્કો એ ઉછાળે, થાય શું?
કાપવાનો વૃક્ષ કઠિયારો હવે,
ઊભવાનો એજ ડાળે, થાય શું?
હોય છે સંબંધ લોહીનો છતાં,
અંતમાં તો એ જ બાળે, થાય શું?
પ્રેમ બચપણથી હતો, આજેય છે,
હાલ એ મળવાનું ટાળે, થાય શું?
*ઝાંઝવાં છે ઝાંઝવાં ચારે તરફ,
પ્યાસ ભટકે રણ વચાળે થાય શું?
વેદના વધતી જશે તો ગીતમાં,
રાગ ભૈરવ ‘સાજ’ ઢાળે, થાય શું?
-‘સાજ’ મેવાડા
* અવસરિયત ગઝલ સ્પર્ધાનો મિસરો.

189-Thay shu-Gazal-Saaj Mevada

Read Full Post »