Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2019

       237-Pachhi Vali Gae Chhe-Gazal

           પાછી વળી ગઇ છે ગઝલ
કદી પાછી વળેના એ હવે પાછી વળી ગઇ છે,
નદી, જે બંધ જોઈને નવા રસ્તે ઢળી ગઇ છે.
નિરખવા ચાંદને સાગર જરા ઊંચો થયો છે ત્યાં,
સરકતી આભમાં કેવી અદેખી વાદળી ગઇ છે.
તને મેં દોસ્ત સમજી ને કરી ‘તી વાત દિલની પણ,
હતી અંગત છતાં આખીય દુનિયા સાંભળી ગઇ છે.
ખિજેતો જાનનું જોખમ, રીઝે તો જાન આપી દે,
હતી સીતા સમી નારી, સમય સાથે ભળી ગઇ છે.
વગાડી ‘સાજ’ સાથે રાસ તું રમતો હતો કાયમ,
વૃંદાવન છોડવા સાથે જ તારી વાંસળી ગઇ છે
.

            -‘સાજ’ મેવાડા    24 July 2019


Read Full Post »

જન્મ દિવસ હોય એટલે મિત્રો પૂછે,

“કેટલા વરસો થયા?”

જવાબ આપીએ કે, “આટલા”, પણ મનમાં બીજો પશ્ર્ન ઊભો થાય, “હવે કેટલા બાકી રહ્યા?” એનો

જવાબ મળે નહીં, કોઈનેય ના મળે. છતાં એ વાત તો ચોક્કસ છે કે જે મૃત્યું ને અપનાવી લેવા તૈયાર હોય એને અફસોસ કે દુ:ખ ના થાય. જન્મ-મરણ શબ્દો સાથેજ બોલાય છે. મને પણ આવા વિચાર આવ્યા અને  ગઝલ લખાઈ.  

236-Janam-Maran-Gazal-જન્મ-મરણ-ગઝલ

બધી જંજીરને તોડી જવાનો છું,

જગતભરની જફા છોડી જવાનો છું.

વગર સમજ્યે ભરી રાખી હતી એવી,

અહંની માટલી ફોડી જવાનો છું.

વમળ તો હોય ભવસાગરમાં, તેથી શું?

મુકી મઝધારમાં હોડી  જવાનો છું.

જિવનભર રાહ જોઈ છે, હવે એનું,

મિલન થઇ જાય તો દોડી જવાનો છું.

મને જો ઊંઘ આવે તો સુવા દેજો,

રહી છે રાત પણ થોડી,  જવાનો છું.

સકળ સંસારનો આભાર માનીને,

સ્મરીને રામ કર જોડી જવાનો છું.

હવે જચતા નથી આ સૂર સાજિંદા,

બસૂરા ‘સાજને’ છોડી જવાનો છું.

-‘સાજ’ મેવાડા 18 July 2019

Read Full Post »

 

 વરસાદી રાતની નઝમ


મેઘલો વરસ્યા કરે છે રાતભર,
વીજળી ચમક્યા કરે છે રાતભર.

લોક તો ઊંઘ્યા કરે છે રાતભર.
મોરલા ટહુંક્યા કરે છે રાતભર.

વાયરો કેવી હલાવે ડાળખી,
વૃક્ષ પણ નાચ્યા કરે છે રાતભર.

એક શેરીને અચાનક શું થયું?
જળ ભરી દોડ્યા કરે છે રાતભર.

કોણ આવ્યું પીપળાની આડમાં?
કૃષ્ણને જાપ્યા કરે છે રાતભર.

આ અલૌકિક દ્રશ્ય જોવાદો મને,
ઈશ્ચરી લાગ્યા કરે છે રાતભર.

ઊંઘ આજે ‘સાજ’ ને આવે નહીં,
આભમાં તાક્યા કરે છે રાતભર.
– ‘સાજ’ મેવાડા

Read Full Post »