Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2017

179-જંતર બને-(ગઝલ)

લાગણીમાં બોજ આ ભણતર બને,

એજ બુધ્ધિ દિલનું જો કળતર બને.

ના રહે એનો ભરોસો કોઇને,

હોય અંગત તે છતાં નડતર બને.

જિંદગી જીવી જવાનું મોંજથી,

ખેતરો ખેડ્યા વિના પડતર બને.

સત્ય આખર જૂઠથી જીતી જશે.

એ સનાતન સંત નો ઉત્તર બને.

એ જ છે કરતાર તોયે શું કરે?

એક ખંજર એકતો બખ્તર બને.

ઓ હ્રદય કચડાઇજા આનંદથી,

ફૂલ પીસાયા પછી અત્તર બને.

રાગ ભૈરવ છેડતોના ‘સાજ’ તું,

પ્રેમનું તારું કદી જંતર બને.

  ‘સાજ’ મેવાડા

 

Read Full Post »

178 – પંચાત કરે છે – ગઝલ

બે ધારે આઘાત કરે છે,

મોઘમ મોઘમ વાત કરે છે.

સમજે છે એ સૌને મૂરખ,

પોતાને પણ મ્હાત કરે છે.

અન્યોને એ નીચા માની,

કાયમ ઊંચી જાત કરે છે.

વેરણ એની ઊંઘ બને તો,

ઝળહળ આખી રાત કરે છે.                  

શાયર નામે ‘સાજ’ તમારો,

કોની આ પંચાત કરે છે?

  ‘સાજ’ મેવાડા

 

 

 

 

Read Full Post »

   177- ચરણે ઢળવું (ગઝલ)

વૃક્ષ તનેતો દર મોસમમાં ફાવે ફળવું,

કેમ હશે આ માનવને કાયમનું બળવું.

દ્વાર ઉઘાડી વારે વારે શોધું છું પણ,

કેમ કરી તું ના આવેતો પાછા વળવું?

એક અજાણ્યો રસ્તા ઉપર ચાલ્યો આવે,

પૂછ જરા, એ શાને આવ્યો, કોને મળવું?

હુંય અચાનક કરમાવાનો સંધ્યા ટાણે,

સુર્યમુખીની સાખે તારા ચરણે ઢળવું.

આવ કદીતો દર્શન દેવા મારા સાજન,

‘સાજ’ તણી રાગિણી થઇને ગમશે ભળવું.

-‘સાજ’ મેવાડા

Read Full Post »