Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2019

231-sha kaje-Gazal

       શા કાજે-ગઝલ

બોલ, આવ્યો અહીં તું શા કાજે?

કામ પૂરું કર્યા પછી જાજે.

કોણ છોડે ધરાર દરવાજે,

ઝંખના સોરવાય છે આજે.

રાહ જોયા કરે હજી ગોપી,

કૃષ્ણની બંસરી કદી વાજે.

જો વહે આંસું મેઘલી રાતે,

રાગ મલ્હાર એકલો ગાજે.

જે અમરવેલ જેમ ચૂંસે છે,

દર્દ મેં એક લીધું છે વ્યાજે.

સૂર રુંધાય તે ઘડી સાકી,

‘સાજ’ ને જામ પ્રેમથી પાજે.

‘સાજ મેવાડા’

 

 

 

 

 

Read Full Post »

230-Sagaie Lage chhe

   સગાઇ લાગે છે-ગઝલ

જન્મભરની સગાઇ લાગે છે,

દર્દ આ વારસાઇ લાગે છે.

છેક ઉંબર સુધી ધસી આવી,

જિંદગી ગુંચવાઇ લાગે છે.

રડવું મારા સ્વભાવમાં નો’તું,

લાગણી ઊભરાઇ લાગે છે.

આ ધુમાડો હજી સતાવે છે,

આગ તો હોલવાઇ લાગે છે.

જો દવા પણ અસર નથી કરતી,

પીડ મારી પરાઇ લાગે છે.

લોક ઝૂમી ઉઠ્યા ગઝલ કે’તાં,

મયકશી માં રચાઇ લાગે છે.

નામ જેનું કદી નથી લીધું,

એ ગઝલ માં સમાઇ લાગે છે.

‘સાજ’ ગાતો રહે જરુરી છે,

રાગિણી તો રિસાઇ લાગે છે.

‘સાજ’  મેવાડા

Read Full Post »