Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2017

197-Maro Chhe – (Gazal)-મારો છે

હક સજા પર લગાર મારો છે,

જાત પરનો પ્રહાર મારો છે.

મેં જ ખોદી હતી કબર મારી,

એટલે આ મઝાર મારો છે.

નામ પડઘાય તારું ચોપાસે,

આર્તનાદે પુકાર મારો છે.

શોધશો તો જરૂર મળવાનો,

રણ વચાળે તુષાર મારો છે.

એક તારો વિયોગ સાલેતો,

યોગનો પણ વિચાર મારો છે.

એ હસાવે કદી રડાવે પણ,

દર્દ દેનાર યાર મારો છે.

સાત સૂરોના ‘સાજ’માં જાણે,

ઈશ્વરી આવકાર મારો છે.

-‘સાજ’ મેવાડા

 

Read Full Post »

196-Muktak-મુક્તક-મર્કટ

મન મર્કટ તો માનવ શું છે?

વંશ એનો છે એ પાકું છે;

ઈશ્વર, અલ્લા જીસસ જેવા_

દેવ હશે પણ દાનવ તું છે.

-‘સાજ’ મેવાડા

Read Full Post »

195 – Angara Jevo-Gazal-અંગારા જેવો

કો’ ભઠ્ઠીના ભારા જેવો,

હું તો છું  અંગારા જેવો.

તારી આંખોનો પલકારો,

વિજળીના ઝબકારા જેવો.

દીપ હશે તો ઊંચે ચઢશે,

જીવન પથ ગુબ્બારા જેવો.

મેઘ ગરજતો નીલ આકાશે,

અનંતના  ઈશારા  જેવો.

ફૂલ ઉપર એ ઝાકળ લાગે,

પ્રેમ નદીની ધારા જેવો.

ના સમજો તો કે’વું પડશે,

કોઇ નથી અહીં મારા જેવો.

રાગ રચ્યો છે ‘સાજ’ તમે એ,

નરસિંહ ના કેદારા જેવો.

-‘સાજ’ મેવાડા

  

 

 

 

 

 

Read Full Post »