Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2022

         સોનેટ (અનુષ્ટુપ)

એક રાતે ઘણી ઊંઘ તોયે, જાગી ગયો હતો,

ઝરૂખે હું જઈ ઊભો ચાંદની રાત શોભતી.

ને જોઈ ઘરનો બાગ આનંદિત થતો હતો,

હવા ખૂશ્બૂભરી કેવી માદક લ્હેરતી હતી.

બિલાડી ક્યાંકથી આવી ઉંદર દરમાં જતો,

કૂતરોય બિલાડીની પાછળ દોડતો ગયો.

સાપ સરકતો જોયો ત્યાં સામે નોળિયો હતો,

પાટલા ઘો ચડી ઝાડે, ઘુવડ તો ઉડી ગયો.

જીવને જીવ આરોગી જીવી જાય છે કદી,

નિશાચરો બધા ખાઈ જવાના એકમેકને.

હું ઉદાસ થયો મારી ઊંઘ વેરી થઈ પડી,

સનાતન સૃષ્ટીનો છે ક્રમ હો માનવી ભલે.

એવું કેમ મને લાગે કવિ થયો નિશાચરી?

અકળ સત્ય આલાધ્યું રાત્રિમાં કવિતા કરી.

  સાજ મેવાડા

Read Full Post »

Samji Lo-સમજી લો

સમજી લો – ગઝલ

લૂંટી લેશે, દુનિયાદારી સમજી લો,

દુનિયા કેવી છે વેપારી સમજી લો.

જીવનભર રૂપિયા પાછળ દોટ લગાવે,

પડદા ઓથે કારોબારી સમજી લો.

રંક, દલિતો, મા બ્હેનોને ચૂંથી નાખે,

કોનું પીઠબળ, કોની યારી સમજી લો.

હાથ મિલાવી થોડા માટે મારી નાખે,

લાલચની છે મિત્રાચારી સમજી લો.

ભારતની આ બરબાદી કોના હાથે?

નોંધાવે છે જે નાદારી સમજી લો.

સૂરજને સંતાવાનો વારો આવ્યો,

આખી દુનિયા છે અંધારી સમજી લો.

જો કરશે ન્યાય આખર કુદરતની કોરટ,

સાજ પ્રભુનો છે આભારી સમજી લો.

  • સાજ મેવાડા

Read Full Post »