Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘Gazal gujarati’ Category

225-Je thay te thavade-જે થાય તે થવાદે

સંધ્યા પછી ઉષા છે, જે થાય તે થવાદે,

સૂરજ તણી પ્રથા છે, જે થાય તે થવાદે.

મારી પતંગ ઊંચે આકાશમાં ચગી છે,

સામે પડી હવા છે, જે થાય તે થવાદે.

જે હોય સત્ય આજે, કાલે અસત્ય બનશે,

ચગડોળની મજા છે, જે થાય તે થવાદે.

પીધા કરી નજરમેં પ્રેમી બની નશામાં,

એની જ આ દશા છે, જે થાય તે થવાદે.

પુરાણ, વેદમાં છે, ને પાપ પુણ્યની છે,

મારી જ એ કથા છે, જે થાય તે થવાદે.

રસ્તો ઘણો વિકટ છે, ડરતો નથી જરાયે,

ને રાહબર ખુદા છે, જે થાય તે થવાદે.

હું માલકૌંસ છેડું, કે ભૈરવીય છેડું,

આ ‘સાજ’ની સભા છે, જે થાય તે થવાદે.

 ‘સાજ’ મેવાડા

225-Jethay te thavade-Gazal-Saaj Mevada

Advertisements

Read Full Post »

224-Vicharijo-વિચારીજો

કાલ કેવી હશે, વિચારીજો,

ના ગમે  તો જરા  સુધારીજો.

હોય જો જર્જરીત ઘર તારું,

રંગરોગાન કર, સમારીજો.

પેટની હોય કેહ્રદયની એ,

આગતો આગ છે એ, ઠારીજો.

એ નિમંત્રણ વિના નહીં આવે,

દ્વારિકાનો છે, આવકારીજો.

ચાંદની રાત છે મજા કરને!

આવ, દરિયાની બેકરારીજો.

એ નથી આપતો વગર માગ્યે,

આર્તનાદે કદી પુકારીજો.

વેદના, ગમ, મુશીબતોને તું,

‘સાજ’ સંગીતમાં ઉતારીજો.

  ‘સાજ’ મેવાડા

Read Full Post »

217-Magya Vagarna Malya Chhe-Nazm

માગ્યાં વગરનાં મળ્યાં છે-નઝમ-‘સાજ’ મેવાડા,

ઘણાં સુખ માગ્યાં વગરનાં મળ્યાં છે,

અને દુ:ખ માંગ્યાં નથી પણ નડ્યાં છે.

ઘણાં દુ:ખ કાયમ પનારે પડ્યાં છે,

અને ખાસ અંગત બની સાંપડયાં છે.

            મટે એક, ત્યાં દુ:ખ બીજું ઉઠે છે,

            હજી કેમ આવા સવાલો ઉઠે છે?

હતા દોસ્ત એવા હ્રદય ઓળખીલે,

ઘડીમાં હસાવે ઘડીમાં લડીલે,

ફરીવાર મળતાં ગળે પણ મળીલે;

મુસીબત હશે ત્યાં બધું સાચવીલે.

            હવે જાન લેવા ઘડીમાં ઉઠે છે,

            હજી કેમ આવા સવાલો ઉઠે છે?

ઘણાંના દરદને મટાડી શક્યો છું,

મળ્યું માન મોભો, પચાવી શક્યો છું,

સમયના ઇશારા હું પરખી શક્યો છું;

અને જીવતરને હું માણી શક્યો છું.

            કસક એક શાની હ્રદયમાં ઉઠે છે,

            હજી કેમ આવા સવાલો ઉઠે છે?

ભલે ‘સાજ’નું આ ફકીરી જીવન છે,

વિના હેમનું આ અમીરી જીવન છે,

નિજાનંદ સાથે કબીરી જીવન છે;

રહી છે ખુદ્દારી ખમીરી જીવન છે.

            છતાં ઊંઘમાં કેમ ચીખી ઉઠે છે,

            હજી કેમ આવા સવાલો ઉઠે છે?

 ‘સાજ’ મેવાડા  venunad.wordpress.com

 

 

 

 

 

 

 

 

 

Read Full Post »

223 – Pachhu valine jovu nahi-પાછું વળીને જોવું નહીં

આગળ આગળ ચાલ્યા કરવું, પાછું વળીને જોવું નહીં,

નીર નદીના થઇ વિસ્તરવું, પાછું વળીને જોવું નહીં.

મંઝિલ તો છે ઊંચો પર્વત, કાંટાળી ત્યાં ખીણ હશે,

ઢાળ મળે ત્યાં ના ઊતરવું, પાછું વળીને જોવું નહીં.

હોય તમારો મારગ સાચો, ગાંધી જેવા માનવનો,

ખુદ્દારી રાખીને મરવું, પાછું વળીને જોવું નહીં.

ભસતા કૂતરા કરડે નહીં એ કહેવત ખોટી છે મિત્રો,

જાન બચાવીને સંચરવું, પાછું વળીને જોવું નહીં.

‘સાજ’ તમારો દોષ નથી કંઇ, દુનિયાની એ રીત હશે,

જેવા સાથે તેવા ઠરવું, પાછું વળીને જોવું નહીં.

  ‘સાજ’ મેવાડા                  24/11/2018

 

 

 

Read Full Post »

222-Dard ae Aakhar taru thayu

જે કદી મારું હતું, તારું પણ આખર થયું,

દદૅના સંબંધમાં એટલું સરભર થયું.

કેટલા જન્મો હશે કેટલી આરાધના,

ફૂલ સાથે એ પછી કંટકોનું ઘર થયું.

જન્મ પંખીનો પ્રભું મુક્ત તેં આપ્યો હતો,

કોણ જાણે કેમ આકાશનું પિંજર થયું?

કેમ વીતી જીંદગી? દોસ્ત ના પૂછો મને,

ભાર લઇને પ્હાડ પર દોડવું દુશ્કર થયું.

છે કરામત ઈશની, કોણ એ સમજી શકે!

આમ જોવા જાવતો, ‘સાજ’નું ઘડતર થયું.

-‘સાજ’ મેવાડા             06/11/2018

 

 

 

Read Full Post »

221-A-Sabhar Lage-સભર લાગે-ગઝલ

ફૂલ પણ ઓસથી સભર લાગે,

સૂર્યના  સ્પશૅની  અસર લાગે.

ભાલ પર મેશ ટીલું કરશે પણ,

એ જ કારણ તને નજર લાગે.

ચાંદની  રાતમાં  સમંદરને,

આજ ઉન્માદની  લહર લાગે.

હું ભટકતો રહ્યો વિમાસણમાં,

તોય કેવી નવી સફર  લાગે.

આવ  તારો  ઉજાસ ફેલાવી,

ઊગતી ‘સાજ’ની પ્રહર લાગે.

-‘સાજ’ મેવાડા

               મુક્તક

પર્વત ભલેને ઊંચકે છે કૃષ્ણની એ આંગળી,

જો હોય બંને હાથની તો એ વગાડે વાંસળી;

બસ આજ છે મોટો ફરક સાહસ તણો ને પ્રેમનો,

તાલી પડે બે હાથથી, એકે પડી ના સાંભળી.

-‘સાજ’ મેવાડા

Read Full Post »

220-Shakya Chhe-શક્ય છે

મૌનમાં કાયમ રહે એ શક્ય છે,

લાગણી મોઘમ રહે એ શક્ય છે.

ના મિલાવો આંખ સાથે આંખને,

ચેપનું જોખમ રહે એ શક્ય છે.

ફૂલ આપો પ્રેમથી જો કોઈને,

હાથમાં ફોરમ રહે એ શક્ય છે.

પાનખર તો આવશે ને જાય પણ,

વ્રૂક્ષ લીલુંછમ રહે એ શક્ય છે.

‘સાજ’ની આ જીંદગી તો ખેલ છે,

દાવમાં અણનમ રહે એ શક્ય છે.

‘સાજ’ મેવાડા  

 

 

Read Full Post »

Older Posts »