Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2018

    210-Ujash Muki jaay Chhe-Gazal

     ઉજાશ મૂકી જાય છે-ગઝલ

કોઇ મારા દ્વાર પર ઉજાશ મૂકી જાય છે,

દ્વાર ખોલી જોઉં ત્યાં આબાદ સરકી જાય છે.

એ કરે મારી પરીક્ષા, ને પ્રતીક્ષા એની હું,

ઉંબરાની બ્હાર થોભી કેમ અટકી જાય છે?

રોજ હું મથતો રહું છું ભ્રમ મારો ભાંગવા,

નામ દિલના આયનામાં એનું ઝબકી જાય છે.

સૂર્ય જેવો એ પ્રકાશે, છે હ્રદયના ગોખમાં,

યાદ એને હું કરું તો સ્હેજ મલકી જાય છે.

એક છે દુનિયામાં સઘળે એજ હું ને એજ તું,

પ્રેમથી એના ચરણમાં ‘સાજ’ ઝૂકી જાય છે.

-‘સાજ’ મેવાડા      31 May 2018

         Venunad.wordpress.com

 

 

 

Read Full Post »

aWarning : કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. આ ‘હઝલ’ મારી છે.

209 – Aa Manasne shu kahevanu-આ માણસનેશું કહેવાનું-ગઝલ

વાતે વાતે બણગાં ફૂંકે, આ માણસને શું કહેવાનું?

માન મળેના તો એ રૂઠે, આ માણસને શું કહેવાનું?

રોજ સવારે નાસ્તામાં એ, ગોટા ફાફડા મરચાં માગે,

રાતે જાગે દિવસે ઊંઘે, આ માણસને શું કહેવાનું?

આડો ચાલે રસ્તા વચ્ચે, લે અડફેટે વાહન એને,

ગાળ દઇને કપડાં લૂં છે, આ માણસને શું કહેવાનું?

સ્વચ્છતાના એ નારા બોલે, ને રેલીમાં આગળ ચાલે,

દાદરના ખૂણામાં થૂંકે, આ માણસને શું કહેવાનું?

માઈક મળે તો એ ના છોડે, ઘાંટા પાડીને બોલે,

શાયર થઇ ઉખાણા પૂછે, આ માણસને શું કહેવાનું?

સ્વતંત્રતા ઘોળીને પીવે, ભારત માતા આંસું સારે,

લોન લઇ બેંકોને લૂંટે, આ માણસને શું કહેવાનું?

દુનિયાભરમાં નામ થયું છે, ‘સાજ’ તને આ ના દેખાયું?

તારી પાછળ લોકો પૂછે, આ માણસને શું કહેવાનું?

-‘સાજ’ મેવાડા   

 

Read Full Post »

    208-Toh Game-Gazal તો ગમે ગઝલ

બાળક સમો નિર્દોષ છું, રડતો હસાવે તો ગમે,

સમજે મને નાદાન પણ, મૂરખ બનાવે તો ગમે.

પોપટ બન્યો છું પિંજરાનો, એટલે શીખી ગયો,

જો રામ બોલું એક મરચું દઇ પટાવે તો ગમે.

કે’તો હતો આવીશ હું, ભૂલી ગયો તું પણ હવે,

આવી અચાનક પીઠ પર, ધબ્બો લગાવે તો ગમે.

રોકી મને રસ્તા વચાળે, પૂછતોજા કેમ છે?

કોઈ બહાને વાત દિલની તું કઢાવે તો ગમે.

આ ચાંદની તો રાતભર રે’શે નહીં, સરકી જશે,

દીપક જલાવી ઓરડાને તું સજાવે તો ગમે.

સંબંધ મારો સૂર્ય સાથે હોય છે કાયમ છતાં,

આકાશના ઘનઘોર વાદળથી બચાવે તો ગમે.

મહેદીહસન જગજીતની પૂરી નકલ તું ગાય છે,

મારી ગઝલને ‘સાજ’ આજે, સંભળાવે તો ગમે.

     -‘સાજ’ મેવાડા                      9 May 2018

 

Read Full Post »