Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2018

214 – Lagado Chho – લગાડો છો – ગઝલ

જખમ તો કયારના દીધા, મલમ આજે લગાડો છો!

ફરીથી લાગણી દિલની, હવે શાને જગાડો છો?

અમે વીણ્યા હતા કાંટા, તમારા પંથના કાયમ,

તમે બાવળ, અમારા આંગણામાં પણ, ઊગાડો છો.

સમય વીત્યો, ના આવશે પાછો, ખબર છે ને?

કરીને યાદ દુ:ખોને, હવે જીવન બગાડો છો.

ભલે દરકાર ના કરતા, છતાં નિદૅય થયા શાને?

નિમંત્રીને, સભામાંથી વિના કારણ ભગાડો છો.

અનેરાં ગીત ગાયાં છે, સુરીલા ‘સાજ’ની સાથે,

છતાંયે, રાગમાં સરગમ તમે ખોટી વગાડો છો.

    -‘સાજ’ મેવાડા      25 July 2018

 

Read Full Post »

 

 

 

213-A & B- Muktak & Magya karyu-Gazal

                 મુક્તક

કોણ અંદર ‘હા’ ભણે છે, કોણ કે’ છે ‘ના’ મને,

રોજ સંવાદો કરે છે, બેય મારા હોય છે;

પ્રશ્ર્ન પૂછે જીવ તો, આતમ જવાબો આપશે,

‘સાજ’ બંને ‘હા’ કહેતો, કામ સારા હોય છે.

             માગ્યા કર્યું – ગઝલ

સુખ તેં ભરપૂર આપ્યું, તે છતાં માગ્યા કર્યું,

દુ:ખ થોડું પણ મળ્યું, શુન્યથી ભાગ્યા કર્યું.

જીવતરને માપવાનું માપિયું ખોટું હશે,

કૈંક ખૂંટે એમ મારી જાતને લાગ્યા કર્યું.

છે ખબર, વીતી ગયેલો કાળ પાછો ના વળે,

બચપણની યાદ આવી, રાતભર જાગ્યા કર્યું.

નાખુદા છે નાવપર તો પાર સાગર થઇ જશે,

ડૂબવાનો ડર હતો, ઊંડાણને તાગ્યા કર્યું.

હોય છે તારી કૃપા મારી ઉપર એથી જ તો,

ગીત તારા પ્રેમનું આ ‘સાજ’માં વાગ્યા કર્યું.

-‘સાજ’ મેવાડા       10 July 2018

 

 

Read Full Post »