Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2010

(Picture-Recaptured from ISKON original)

જન્માષ્ટમી, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આવી રહ્યો છે. આ રચનાની વાતો ઘણી વાર કહેવાઈ હોવા છતાં કૃષ્ણની બાળલીલા ભક્તોને વારંવાર સાંભળવી કે ગાવી ગમે છે. હું ભક્તોમાં ગણાઉ એવી મારી લાયકાત નથી, છતાં શ્રી કૃષ્ણ ચરિત્ર ગમે છે અને તેમનાં માનવિય નટખટ સહજ બાળક રૂપ કૃત્યો ખૂબજ ગમે છે. 

તો આજે આ સરળ એવી રચના-ગીત, “કોને કહીએ રે” આબાલ-વૃધ્ધ સૌને ગમશે.

કોને કહીએ રે(ગીત)

જશોદા તારો કાનુડો ઘણો નટખટ લાગે રે,

લાલને તારા વાળો મૈયા કોને કહીએ રે.

ગોપ વાનરની ટોળી લઈને માખણ ચોરે રે,

શીકે મેલ્યાં મહીં માખણને ઢોળી નાખે રે.

વલોણા ટાણે સંતાઈ મારી ગોરી ફોડે રે,

યમુના કાંઠે પાણી ભરતાં કંકર મારે રે.

ગોધન ભેળાં વાછરડાંને છોડી મેલે રે,

દોહવા ટાણે અમને જોતો તાળીઓ પાડે રે.

શાણો થઈને ડરીને બેઠો વહાલો લાગે રે,

“સાજ”ના સ્વામીની લીલા ભક્તો માણે રે.

સાજમેવાડા 

Read Full Post »

 
એવી ભરવાડણ કે ગોપી ભગવાનને જમવા નોતરે છે, અને રાહ જોતી અનિમેષ નયને ઝાંપલી ઊઘાડી રાહ જુએ છે. હરિ ને સત્કારવાની બધીજ તૈયારીઓ એણે કરી રાખી છે. આમાં હરિ આવ્યા કે નહીં દર્શાવ્યું નથી. પણ એની કલ્પનાઓ થી હરિ આવશે અને જશે ત્યારે પ્રેમભક્તિમાં ગળાબૂડ કેવી રડી પડશે અને ભક્તવત્સલ હરિ એના આંસુ લૂંછતા હશે ભાવે લખાયું છે. કેજો મને, કેવું લાગ્યું?
 
 
 
 

 મારે નેસડે નોતર્યા છે મોરારી,
 સખી, કરીયે સ્વાગત એના વારી વારી.

મેંતો વાળી લીંપીને આંગણ રંગી લીધું,

રુડા સાથિયા પુરીને તોરણ બાંધી દીધું

સખી આંખ્યું મિંચાઈ નહીં જોવા હરિ…….મારે.

મેંતો ઝાંપલી ઊઘાડી વાટ જોતી ઊભી,

ખાટ હિંડોળે ગાદી ને તકિયા મૂકી,

સખી, દર્શન કરીને ગાશું હરિ હરિ………..મારે.

મેંતો કંકુ છાંટીને અક્ષત થાળે લીધા,

ગૂંથી પુષ્પો ને તુલસીની માળા લીધા,

સખી, પ્રેમે ધરીસું માળા કંઠે હરિ…………મારે.

મેંતો ઓઢણી ઓઢીને માથે કળશ લીધા,

મહીં દીપક પેટાવી પાલવ આડે દીધા,

સખી, આરતી કરીશું ભાવે રીઝે હરિ………મારે.

મેંતો વિધ વિધ ભાતના ભોજન કર્યા,

પાન માખણ ને મિસરી તાજાં મેલ્યાં,

સખી, મંદ મંદ હસતા જમશે હરિ…………મારે.

શિર ચરણે ધરીનેસાજવિનવે હરિ,

પ્રભુ આવશો ક્યારે મારે નેસડે ફરી?

સખી, નયનોનાં આંસું મારાં લૂંછે હરિ…….મારે.

 

 રાગ-ભૈરવી
 

 

 

સાજમેવાડા 

 

 

Read Full Post »