Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

ખૂલી જશે – ગઝલ

  • ગઝલ – યાદ પણ કરતા નથી.

વીતી ગયેલી મિત્રતાને યાદ પણ કરતા નથી,

ડાયરીમાંથી નામ મારું બાદ પણ કરતા નથી.

કાયમ સહન કર્યા કરે, જોહુકમીને સંબંધમાં,

તકરાર તો કરતા નથી, ફરિયાદ પણ કરતા નથી.

જીવી રહ્યા છે લોક સૌ, બંધુકધારી દેશમાં,

ડર મોતનો હરરોજ છે, પ્રતિવાદ પણ કરતા નથી.

સાચી હતી એ લાગણી ભૂલી ગયો છું એટલે,

સંબંધના દર્દો હવે નાશાદ પણ કરતા નથી.

તારી ગઝલમાં ‘સાજ’ એવું તે શું છે કે, શાયરો_

દેતા નથી જો દાદ તો પ્રતિપાદ પણ કરતા નથી.

  • ‘સાજ’ મેવાડા

જીવો જીવસ્ય ભોજનમ્

         સોનેટ (અનુષ્ટુપ)

એક રાતે ઘણી ઊંઘ તોયે, જાગી ગયો હતો,

ઝરૂખે હું જઈ ઊભો ચાંદની રાત શોભતી.

ને જોઈ ઘરનો બાગ આનંદિત થતો હતો,

હવા ખૂશ્બૂભરી કેવી માદક લ્હેરતી હતી.

બિલાડી ક્યાંકથી આવી ઉંદર દરમાં જતો,

કૂતરોય બિલાડીની પાછળ દોડતો ગયો.

સાપ સરકતો જોયો ત્યાં સામે નોળિયો હતો,

પાટલા ઘો ચડી ઝાડે, ઘુવડ તો ઉડી ગયો.

જીવને જીવ આરોગી જીવી જાય છે કદી,

નિશાચરો બધા ખાઈ જવાના એકમેકને.

હું ઉદાસ થયો મારી ઊંઘ વેરી થઈ પડી,

સનાતન સૃષ્ટીનો છે ક્રમ હો માનવી ભલે.

એવું કેમ મને લાગે કવિ થયો નિશાચરી?

અકળ સત્ય આલાધ્યું રાત્રિમાં કવિતા કરી.

  સાજ મેવાડા

Samji Lo-સમજી લો

સમજી લો – ગઝલ

લૂંટી લેશે, દુનિયાદારી સમજી લો,

દુનિયા કેવી છે વેપારી સમજી લો.

જીવનભર રૂપિયા પાછળ દોટ લગાવે,

પડદા ઓથે કારોબારી સમજી લો.

રંક, દલિતો, મા બ્હેનોને ચૂંથી નાખે,

કોનું પીઠબળ, કોની યારી સમજી લો.

હાથ મિલાવી થોડા માટે મારી નાખે,

લાલચની છે મિત્રાચારી સમજી લો.

ભારતની આ બરબાદી કોના હાથે?

નોંધાવે છે જે નાદારી સમજી લો.

સૂરજને સંતાવાનો વારો આવ્યો,

આખી દુનિયા છે અંધારી સમજી લો.

જો કરશે ન્યાય આખર કુદરતની કોરટ,

સાજ પ્રભુનો છે આભારી સમજી લો.

  • સાજ મેવાડા

Nahi karu – નહિ કરુઁ – નઝમ

        આજની નઝમ

આવી શકે તો આવ હું લાચાર નહિ કરું,

આવે નહીં તો પણ ભલે તકરાર નહિ કરું.

કાયમ રહે છે યાદ હું ભૂલ્યો નથી કદી,

સપનામાં આવશે તો હું ઇનકાર નહિ કરું.

જાણી ગયા લોકો હવે મારી દીવાનગી,

છોડી તને બીજા કોઈને પ્યાર નહિ કરું.

દુશ્મન બનીને આવશે મારા વિરોધીઓ,

છૂપો રહીને પીઠ પાછળ વાર નહિ કરું.

જન્મો જનમની પ્રિત છે એવી ખબર મને,

તારા વગર હું સ્વર્ગનો સ્વીકાર નહિ કરું.

જેવા પ્રકારો વાદ્યના સૂરો નવા નવા,

હું ‘સાજ’ને નીચો ગણી વેપાર નહિ કરું.

  • ‘સાજ’ મેવાડા

    ખૂલી જશે – ગઝલ

મિત્રો, ઘણા સમય પછી નવી ગઝલ રજૂ કરું છું.    

    ખૂલી જશે – ગઝલ

બંધ મૂઠ્ઠી જે સમે ખૂલી જશે,

રેત જેવી લાગણી સરકી જશે.

ફૂલને ભમરો ડરાવે ના કદી,

સ્હેજ ચૂમી પ્રેમથી ઊડી જશે.

વેશ જીવનમાં ઘણા ભજ્વ્યા કરે,

રંક કે રાજા હતો ભૂલી જશે.

તાડ જેવો એટલે ઊંચો થયો,

વ્હેમ છે આકાશને આંબી જશે.

જન્મભરનો દોસ્ત મારો કૄષ્ણ છે,

હાથ ઝાલી મ્હેલમાં તેડી જશે.

‘સાજ’ તારો રાગિણીનો સાથ પણ,

નાદ અનહદ સાંભળી છૂટી જશે.

  • ‘સાજ’ મેવાડા

ભૂલ છે? –સોનેટ (હરિણી)

મૃદુલનયની તન્વી શ્યામા હતી મન મોહિની,
શિર સઘન કેશી એ વામા અને ગજગામિની.
મિલન સપનો ધારી રે’તી પરી સમ સુંદરી,
મસૃણ અધરો રાતા બોલે ઘણી રસ માધુરી.
સરસ ક્ષણ કેમેરામાંએ પછી ઝડપી હતી,
મુજ હ્રદયમાં આંખોથી એ છબી ઉતરી હતી.

સ્મરણ કરતાં એને યાદો ફરી ઉભરી હશે?
અવર પ્રિય સંગે ખૂશીમાં રહી ફરતી હશે?
દિવસ મહિના વર્ષો જાતાં સરાસર ભૂલશે?
મનમિત હજી મારી છે એ, ખરેખર ભૂલ છે?

સમયસર ના સ્વીકારી, પછી મળતી નથી,
અચરજ નથી ખોટી આશા કદી ફળતી નથી.
સમય વહતાં કેમેરાની ઘસાઇ જશે છબી,
પણ હ્રદય-સંદૂકે જોવા મળે સપને કદી.

    – ‘સાજ’ મેવાડા

હોવો જોઈએ – ગઝલ

251-Sury pan Ugi jashe-સૂર્ય પણ ઊગી જશે

રાત આ ચાલી જશે  સૂર્ય પણ ઊગી જશે,

એમ તારી યાદમાં જિંદગી વીતી જશે.

હોઠ પર આવે છતાં જો યોગ્ય શબ્દો ના મળે,

આંખમાં દેખાય છે, એને હ્રદય સમજી જશે.

સ્નેહ ભીની લાગણીના વૃક્ષને સિંચ્યા કરો,

ફૂલ ફળ તો આવશે ને બાગ પણ ખીલી જશે.

તાઢ તડકો મેઘ તાંડવ પાનખર હો, કે વસંત,

ઈશ્વરી ઘટમાળ માણે એજ તો જીવી જશે.

દર્દ આપે ઐજ તો આપશે એની દવા,

માનવીની આર્તનાદો શિવ પણ પૂછી જશે.

ચાલ, આગળ થા હવે, મંઝિલ થોડી દૂર છે,

છે મિલનની આશ બાકી, સૂર્ય તો ડૂબી જશે.

‘સાજ’ તારી વેદના જો પ્હોંચશે એના સુધી,

કૃષ્ણ તારી વાંસળીમાં પ્રાણને ફૂંકી જશે.

  -‘સાજ’ મેવાડા

       250-To Pan-તો પણ

       250-To Pan-તો પણ

કટલાં વર્ષો ગયાં બેકાર તો પણ,

આપણે છોડ્યો નહીં અધિકાર, તો પણ.

કોઇ વાતે અન્ય પર વિશ્વાસ નો’તો,

ને થયા સંજોગના શિકાર તો પણ.

ના અહં છોડી શક્યા કે વેણ કડવા,

માફ કરતં ના થયો સ્વીકાર તો પણ.

અગ્નિ સાથે ધૃત છે, તો કોણ બચશે?

નાશ બંને, થાય એકાકાર તો પણ.

કેટલાં જોયાં હતાં ભેગા મળીને!

ને થયાં ઘણાં સપનાં સાકાર તો પણ.

જીંદગી એળે ગઇ લાચાર થઇને,

સોચ જૂદી ને હતા સંસ્કાર તો પણ.

‘સાજ’ તૂટ્યે તાલના પકડી શકો, ને-

ભર સભામાં થાય હાહાકાર તો પણ.

  -‘સાજ’ મેવાડા

249-Saval Karvano-સવાલ કરવાનો

249-Saval Karvano-સવાલ કરવાનો

અવનવા એ સવાલ કરવાનો,

ને સભામાં બબાલ કરવાનો.

શ્વાન જવો સ્વભાવ છે એનો,

મોંઢું ચાટીને વ્હાલ કરવાનો.

જે ભરે તગડું બીલ હોટલમાં,

રોડ પર ભાવ-તાલ કરવાનો.

દોસ્ત મારાં દરદને જાણે છે,

વૈદ થઇને ખયાલ કરવાનો.

એ હસીને વિદાય કરશે પણ,

આંસું ભીનો રુમાલ કરવાનો.

લાગણીને ખરીદશે લોકો,

રોકડી તો દલાલ કરવાનો.

પંચ પરમેશ્વર નથી આજે,

કોર્ટમાં જઇ નિકાલ કરવાનો.

સૂર સાથે સુમેળ સાધીને,

‘સાજ’ આજે કમાલ કરવાનો.

  -‘સાજ’ મેવાડા