161-સ્વીકારવાનું હોય છે–ગઝલ
ભીખ જેવું માગવાનું હોય છે,
જે મળે સ્વીકારવાનું હોય છે.
એષણાઓ ત્યજવી સહેલી નથી,
એ જ કારણ જીવવાનું હોય છે.
તું નહીં તો કોણ સાથે આવશે?,
એકલા મારે જવાનું હોય છે.
થાય છે મારી દશા સહદેવ સમ,
ક્યાં કશુંયે ભાખવાનું હોય છે.
જોઈ લીધી શક્યતાઓ મેં બધી,
જે બને છે એ થવાનું હોય છે.
ઊંઘમાં ચૂકી ગયો તારું મિલન,
એ પળે તો જાગવાનું હોય છે.
ગીતની સરગમ મધુરી રાખજે,
‘સાજ’ને તો વાગવાનું હોય છે.
-‘સાજ’ મેવાડા
“જે મળે સ્વીકારવાનું હોય છે.
એષણાઓ ત્યજવી સહેલી નથી,
એ જ કારણ જીવવાનું હોય છે.”
Thanks Vimala ji & Ritesh.